મોટેરાની રેડ સોઈલ વિકેટ પર ફાસ્ટ બોલર્સ ’કમાલ’ કરે તેવી પ્રબળ શક્યતાઓ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ છે જેનો આજથી પ્રારંભ થયો છે. આ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાઈ રહી છે.ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરમાં મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સ્ટેડિયમ ૬૩ એકરમાં પથરાયેલું છે અને ૧.૩૨ લાખની બેઠક ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમનો શુભારંભ ટીમ ઇન્ડિયા આજથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટ એટલે કે ગુલાબી બોલથી રમશે. જો કે, હાલ કોરોના મહામારીને પગલે સ્ટેડિયમની કુલ ક્ષમતા સાપેક્ષે ૫૦% ક્ષમતા સાથે ચાહકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે ગુલાબી બોલથી ભારત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફૂલ ગુલાબી જીત અપાવી શકશે ?ચાહકો પણ ભારત મોટેરા ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ જીતે તેવી ઉમ્મીદ સાથે બેઠા છે ત્યારે ટીમ વિરાટ અમદાવાદ બંને ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો તાજ પોતાના શિરે કરવા સજ્જ થઈને મેદાને ઉતરી છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ભારતે અહીંથી શ્રેણી જીતવી જરૂરી છે. સિરીઝ ૧-૧ની બરાબરી પર હોવાથી ભારત પાસે હારવાનો વિકલ્પ નથી. બીજી તરફ, ઇંગ્લેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવવા બંને મેચ જીતવી જરૂરી છે. રૂટ ૪૬ ટેસ્ટ જીત સાથે માઈકલ વોન સાથે સંયુક્તપણે સૌથી સફળ કેપ્ટન છે, જ્યારે કોહલી અને મહેન્દ્રસિંહ ધોની બંને ઘરઆંગણે ભારત માટે સૌથી વધુ ૨૧-૨૧ ટેસ્ટ જીત્યા છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-૧૧
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ-૧૧
ઝેક ક્રોલે, ડોમ સિબલે, જોની બેરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોકસ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, જોફરા આર્ચર, જેક લિચ, જેમ્સ એન્ડરસન
પિંક બોલથી રમી જીત મેળવવા ટીમ ઇન્ડિયા સજ્જ
પિન્ક ટેસ્ટમાં ભારત છેલ્લે રમ્યું તો ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ઇંગ્લિશ ટીમ પોતાની અંતિમ ટેસ્ટમાં ૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલીએ મેચ પહેલાંની પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે, બંને ક્વોલિટી ટીમ છે. બંને માટે એ અનુભવ અલગ હતો. જ્યારે બધું તમારી વિરુદ્ધમાં થઈ રહ્યું હોય તો તમે કઈ કરી શકતા નથી. એડિલેડમાં ૩૬ રનમાં ઓલઆઉટ થયા ત્યારે અમે માત્ર ૪૫ મિનિટ ખરાબ રમ્યા હતા, એ સિવાય મેચમાં અમારો દેખાવ સારો હતો. એક ટીમ તરીકે અમને અઘરી પરિસ્થિતિમાંથી બહાર આવતા આવડે છે.
રેડ સોઈલ વિકેટનો નવો અનુભવ રસપ્રદ રહેશે: કોહલી
મોટેરામાં ૬ વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાશે. તેવામાં પિચ કેવી રીતે બીહેવ કરશે એ કોઈ જાણતું નથી. કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે, પિન્ક બોલ સ્વિંગ તો થશે, પણ બહુ નહિ. જ્યારે ઓપનર રોહિત શર્માએ કહ્યું હતું કે, આ પિચ ચેન્નઈની જેમ જ સ્પિનર્સને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, પિચ બનાવવામાં રેડ સોઇલનો ઉપયોગ કરાયો છે. રેડ સોઇલથી બનેલી વિકેટ પર સ્પિન અને બાઉન્સ જોવા મળે છે.
મોટેરામાં સ્પિનર્સની સાથે પેસર્સ પણ તરખાટ મચાવવા તત્પર
બીજી તરફ, ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહ્યું હતું કે, જેમ્સ એન્ડરસન અને કંપની લાઇટ્સ હેઠળ પિન્કનો લાભ ઉઠાવવા ઉત્સુક છે. એવામાં જોવાનું રહેશે કે, આ પિન્ક બોલ ટેસ્ટમાં હંમેશાં માફક સ્પિનર્સનું પ્રભુત્વ જોવા મળે છે કે પેસર્સ હંમેશાં માફક તરખાટ મચાવે છે.