અનેક શહેરોના અનેક વોર્ડમાં કોંગ્રેસ કરતા પણ આપના ઉમેદવારોને વધુ મત મળ્યા, આપ ખરા અર્થમાં નિર્ણાયક સાબિત થયું
મહાપાલિકાની ચૂંટણીમાં આપના ઝાડુએ કોંગ્રેસને સાફ કરી નાખ્યું છે. જો કે ગુજરાતમાં આપનું વધી ગયેલું વર્ચસ્વ ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા વધારી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત હાસ્યાસ્પદ બની છે. તેનાથી વધુ મત તો આપને મળ્યા છે. જેથી પરિણામ પૂર્વે આપે દાવો કર્યો હતો કે તે નિર્ણાયક બનશે તે સાચો પડ્યો છે. ગુજરાતમાં આપની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણીમાં આપે ત્રીજા પક્ષ તરીકે જોર શોરથી ઝંપલાવ્યું હતું. આ માટે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ પણ ગુજરાતમાં આપનું કાઠું કાઢવા ચૂંટણી પૂર્વે આંટાફેરા કર્યા હતા. ગુજરાત આપ માટે એકદમ નવું જ હતું. અનેક મહાપાલિકામાં તો આપ દ્વારા ચૂંટણીના ત્રણેક મહિના પહેલા જ માળખું રચ્યું હતું. છતાં તેને ચૂંટણીમાં જ્વલંત સફળતા મળી છે તેવું સ્પષ્ટપણે કહી શકાય રાજ્યની છ મહાપાલિકા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર મહાપાલિકામાં ગત તા.૨૧ના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં આપ પુરજોશથી મેદાનમાં ઉતર્યું હતું. તમામ બેઠકો ઉપરથી આપે પોતાના ઉમેદવારોને લડાવ્યા હતા. જો કે આપે મોડેથી જ મહાપાલિકાની ચૂંટણીની લડાઈ શરૂ કરી હોય છતાં પ્રચાર પ્રસરમાં રાત દિવસ એક કરી દીધા હતા. આપના ઉમેદવારોએ દિલ્હીના મોડેલ ઉપર અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં જે રિતે કામ કરે છે તેવો પ્રજાને વિશ્વાસ અપાવી મત માંગ્યા હતા. ગત તા.૨૧એ શહેરીજનોએ પણ આપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા.
રાજ્યની છ મહાપાલિકામાં આપ છવાયું છે. નિષ્ણાંતોના મતે કોંગ્રેસ અત્યાર સુધી ભાજપના વિકલ્પ તરીકે માનવામાં આવતો હતો. પણ હવે પ્રજાને કોંગ્રેસ અસમર્થ લાગતું હોય ભાજપના વિકલ્પ તરીકે પ્રજાએ આપને પસંદ કર્યું છે. એટલે હવે બીજા પક્ષ તરીકે આપ ઉપસી આવ્યું છે. સુરતમાં તો આપ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે. ત્યાં આપ દ્વારા ૧૩ બેઠકો ઉપર કબજો મેળવવામાં આવ્યો છે. જેથી હવે વિપક્ષમાં આપ બેસવાનું છે. આપે પુરજોશમાં લડેલી આ પ્રથમ ચૂંટણી જ હોય તેમાં પણ જ્વલંત સફળતા મળતા હવે કોંગ્રેસના અસ્તિત્વ ઉપર જોખમ મુકાઈ ગયું છે. બીજી બાજુ ભાજપ માટે પણ આપ ભવિષ્યની ચિંતા બન્યું છે. કારણકે હવે આવનાર સમયમાં આપ વધુ મજબૂત બનીને ભાજપની સામે ઉતરશે.
મોટાભાગના ઉમેદવારો અજાણ્યા, છતાં આપના નામે ઢગલાબંધ મતો પડ્યા
આપ દ્વારા મોટાભાગની મહાનગરપાલિકામાં તાજેતરમાં જ સંગઠન માળખુ તૈયાર કરીને ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. માટે એવું સ્પષ્ટ કહી શકાય કે આપ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી ન હતી. છતાં આપ કોંગ્રેસથી આગળ નીકળી જતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આપના મોટાભાગના ઉમેદવારો પણ અજાણ્યા છે. ખૂબ ટૂંકા સમયમાં આપે ઉમેદવારોની પસંદગી કરી હોય મોટાભાગના ઉમેદવારો મતદારો માટે એકદમ નવા હતા. છતાં આપના બેનરને ધ્યાનમાં લઈને પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છે.
દિલ્હીના મોડેલ પ્રત્યે અનેક મતદારો મોહી ગયા
આમ આદમી પાર્ટીનો ગઢ દિલ્હી છે. પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે દિલ્હીને મોડેલ બનાવ્યું છે. ગુજરાતમાં આ દિલ્હીના મોડેલને દર્શાવીને મહાપાલિકાની ચૂંટણી લડવામાં આવી હતી. પ્રજા દિલ્હીના મોડેલથી મોહી જઈને આપ તરફ વળી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેજરીવાલની સરકારે પ્રજા માટે અનેકવિધ સવલતો પુરી પાડી હોય અનેક મતદારોએ ભાજપના વિકલ્પ તરીકે આપને મત આપ્યા હતા.