પ્રથમ ચૂંટણીમાં જ પાટીલે પાણી દેખાડ્યું: નવા ફેરફારથી એક સમયે હારનો ડર દેખાતો હતો પણ પરિણામમાં અણધારી સફળતા મળી
પાટીલ ભાઉની જોખમી લાગતી પોલિસી ખૂબ સફળ રહી છે. તેઓની નવી પોલિસીએ ભાજપને ઠેર ઠેર જીત અપાવી છે. હાલ મહાપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકોમાં ભાજપના વિજય પતાકા લહેરાયા છે. કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પાટીલનું પાણી જોઈ હરીફ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ આશ્ચર્યજનક જ રહેવાનો હતો. અગાઉ પાટીદાર અનામત ફેક્ટર અસર કરતું હતું. જેથી કોંગ્રેસે ચૂંટણીમાં વિજય હાંસલ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સારું એવું વર્ચસ્વ ધરાવ્યું હતું. પણ પાટીદાર અનામત ફેક્ટર હવે અસરકર્તા ન હોય આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્વપૂર્ણ બની રહી હતી. આ ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો આવશે તે નક્કી હતું. અધૂરામાં પૂરું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવા નિયમો જાહેર કર્યા હતા. જેમાં ૬૦થી વધુ ઉપર ધરાવતા ઉમેદવાર, ત્રણ ટર્મ ચૂંટાયેલા ઉમેદવાર અને સંગઠનના હોદામાં સ્થાન ધરાવતા નેતાના પરિવારના ઉમેદવાર ઉપર ચોકડી મારી નવા ચહેરાઓને સ્થાન આપવાનો નિર્ણય લીધો હતો.
સી.આર. પાટીલના આ નિર્ણયથી જોખમ ઉભું થાય તેવી ભીતી પણ એક તબક્કે સેવાઇ રહી હતી. રાજકોટ મહાપાલિકામાં નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુક્લ, ઉદયભાઈ કાનગડ, જૈમનભાઈ ઉપાધ્યાય, અનિલભાઈ રાઠોડ, બાબુભાઈ ઉધરેજા જેવા ૧૦ જેટલા નેતાઓની ટીકીટ કપાઈ ગઈ હતી. ભારે લોકચાહના ધરાવતા નેતાઓની ટીકીટ કપાઈને નવા ચહેરાઓને તેની બદલે ટીકીટ મળતા આ ચૂંટણી ભારે આશ્ચર્યભરી બની રહી હતી.
જો કે જુના નેતાઓએ ટીકીટ ન મળવા બાબતે કોઈ પણ પ્રકારની નારાજગી રાખ્યા વગર ઈમાનદારી અને ખેલદીલીથી નવા ચહેરાઓને જીતાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેને પગલે ભાજપે અત્યારે એક કાકરે બે પક્ષી માર્યા છે. નવા નેતાઓ પણ મળ્યા છે અને બીજી તરફ મહાપાલિકામાં સાશન પણ સ્થાપી દીધું છે.
નવી પોલીસીને મળેલી સફળતાથી પાટીલની દીર્ઘદ્રષ્ટિનો પરચો મળ્યો
સી.આર.પાટીલની નવીનતમ પોલીસી આવનાર સમયમાં ભાજપ પક્ષને ખૂબ ફાયદો કરાવનારું છે. સી.આર.પાટીલે નવી પોલિસી આવનાર ૨૦થી ૩૦ વર્ષને ધ્યાને રાખીને અમલમાં લાવી હતી. નવી પોલિસી અમલમાં આવી ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. પણ હવે આ નવી પોલિસીને સફળતા મળી તેનાથી પાટીલની દીર્ઘદ્રષ્ટિનો પરચો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલની આ પ્રથમ ચૂંટણી હતી. જેમાં તેઓનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે.