વડોદરા મહાનગરપાલિકાની કુલ 76 બેઠકો માટેની પોલિટેક્નિક ખાતે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. પરિણામ પ્રમાણે સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 65 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે. વોર્ડ નં-2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.
વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વોર્ડ નં-14માં કોંગ્રેસના કાઉન્સિલર હેમાંગિની કોલેકરનો પરાજય થયો છે. તો વોર્ડ નં-13માં કોંગ્રેસના બાળુ સુર્વે સતત ત્રીજી વખત જીત્યા છે. વોર્ડ નં-7માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર જાગૃતિ રાણા અને વોર્ડ નં-4માં કોંગ્રેસના સિટીંગ કોર્પોરેટર અનિલ પરમારનો પરાજય થયો છે.
વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. આ ઉપરાંત ભાજપના 22 વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો પણ વિજય થયો છે. વડોદરાના વોર્ડ નં-18માં સતત 34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય થયો છે. તેઓને અંતિમ રાઉન્ડમાં મતદાન મથક છોડીને રવાના થઈ ગયા હતા.