ઉત્તર પ્રદેશની યોગી સરકારે સોમવારે પોતાનું બજેટ રજૂ કર્યું. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રની જેમ ઉત્તર પ્રદેશ સરકારે પણ સંપૂર્ણ રીતે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. રાજ્યના નાણા મંત્રી સુરેશ ખન્ના પણ વિધાનસભામાં એપ્પલના કોમ્પ્યુટરથી બજેટ રજૂ કરતા નજરે પડ્યા હતા.
ઉત્તર પ્રદેશ સરકાર આ બજેટ પ્રદેશના ઇતિહાસનું અત્યારસુધીનું સૌથી મોટું બજેટ છે. આ વખતનું બજેટ કુલ 5 લાખ 50 હજાર 270 કરોડ 78 લાખ રૂપિયાનું છે. કૃષિ કાયદા પર થયેલી બબાલથી ઇતર યુપી સરકારે ખેડૂતોને ખેતી માટે ફ્રીમાં પાણી આપવા, સસ્તી લોન આપવાની જાહેરાત કરી છે. સાથે જ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, ખેતી માટે ફ્રીમાં પાણી આપવા માટે 600 કરોડની વાત કરી છે.
યુપી સરકારે અયોધ્યા, જેવર એરપોર્ટ માટે ખર્ચની જાહેરાત કરી છે. આ સિવાય જેવર એરપોર્ટ નજીક જ ઇલેક્ટ્રોનિક સિટી બનાવવાની વાત પણ કરી છે. નાણા મંત્રીએ જાહેરાત કરી છે કે અલીગઢ, આઝમગઢ, મુરાદાબાદ તથા શ્રાવસ્તી એરપોર્ટનો વિકાસ પૂર્ણતાને આરે છે તથા ચિત્રકુટ તથા સોનભદ્ર એરપોર્ટ માર્ચ, 2021 સુધીમાં પૂર્ણ થઇ જશે.