બુટલેગરોને રાતોરાત કરોડપતિ થઇ થવું હોય જેથી અવનવા કીમીયા અજમાવતા હોય છે પરંતુ પોલીસ તંત્રથી બચવું મુશ્કેલ છે. ત્યારે રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેકટરી ઝડપી દારૂની ખાલી બોટલો વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી અને કાર મળી કુલ રૂ. ૯.૩૫ લાખના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે.
જસદણ તાબેના પોલીસ પ્રાપ્ત માહીતી મુજબ જસદણ તાબેના વિંછીયા તાલુકાનો સોમપીપળીયા ગામે રહેતા દિનેશ કુકાભાઇ ડાભી નામના શખ્સનાં મકાનમાં વિદેશી દારૂની ફેકટરી ચાલુ થયાની બાતમી એલસીબીના હેડ કોન્સ્ટે. રવિદેવભાઇ બારડને મળતા પી.આઇ.એ. આર. ગોહિલ સહિતના સ્ટાફે દિનેશના મકાનમાં છાપો મારી વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી, વિદેશી દારૂની નાની મોટી બોટલ ૯૧૦ અને કાર મળી કુલ રૂ. ૯.૩૫ લાખના મુદામાલ સાથે દિનેશ ડાભી, રાજસ્થાનના અલવર જીલ્લાના ગોકુલપુર ગામમાં હનુમાનજીના મંદિર નજીક રહેતો સુરેશ જાગીડ, રાજસ્થાનના ડુંગરપુર તાલુકાના સુરપુર ગામના પંકજ માનજી પાટીદાર અને વિંછીયામાં રહેતો હસમુખ ઉર્ફેહસો કુંભાર ઉર્ફે ભગત નારણભાઇ શકોરીયા નામના શખ્સોને ઝડપી લીધા છે.
પોલીસે ચારે શખ્સોની પુછપરછ કરતાઁ હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગત શકોરીયાએ, સોમપીળીયા ગામે રહેતા દિનેશ ડાભીનું મકાન નકલી વિલાયતી શરાબ બનાવવા માટે ભાડે રાખ્યું હતું. અને પંકજ માનજી પાટીદાર અને સુરેશ ભંગડીને વિદેશી દારુની એક પેટી તૈયાર કરી આપવાના રૂ. ચાર હજાર નકકી કર્યા હતા. પ્રાથમિક તપાસમાં ચારે શખ્સો માથે કરજ હોવાનું અને આર્થિક ભીંસના કારણે શરાબનો વેપલો આદર્યો હતો. પોલીસે ચારે શખ્સો સામે ડુપ્લીકેટ દારૂ બનાવવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.