અદાલતના ચુકાદા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકે ભરતી બંધ કરી હોવાનું જણાવ્યું

રાજ્યની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો અને તે જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જોકે, તેની સામે કોર્ટ કેસ થયો હતો અને વડી અદાલત દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી સામે મનાઈ હુકમ ફરમાવતા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે હવે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે નહીં તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર-૨૦૧૫માં પરિપત્ર બહાર પાડી સ્કૂલોમાં ખાલી પડેલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાનો નિર્ણય લીધો હતો. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યા સામે ખાલી જગ્યા નિયમિત રીતે ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય એટલે કે નહીં તે માટે તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કરાયું હતું. જેમાં પ્રાથમિક શિક્ષકને તાસદીઠ રૂ. ૫૦ અને દિવસના મહત્તમ ૬ તાસના મળી કુલ રૂ. ૩૦૦, માધ્યમિકમાં તાસદીઠ રૂ. ૭૫ અને દિવસના છ તાસના રૂ. ૪૫૦ તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં તાસદીઠ રૂ. ૯૦, મહત્તમ ૬ તાસના ૫૪૦ આપવાનું નક્કી કરાયું હતું.

પ્રાથમિક શિક્ષણમાં તાસ પધ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક રૂ. ૩૦૦ અને ઉચ્ચક માસિક મહત્તમ માનદવેતન મર્યાદા રૂ. ૭૫૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે માધ્યમિકસ્કૂલોમાં ઉચ્ચક માસિક વેતન રૂ. ૧૩૫૦૦ અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ. ૧૩૭૦૦થી વધે નહીં તે રહી રાખવામાં આવ્યું હતું. દરમિયાન પ્રાથમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની ભરતીને લઈ વડી અદાલમાં કેસ દાખલ થયો હતો અને કેસની સુનાવણી દરમિયાન વડી અદાલત દ્વારા ઓરલ ઓર્ડરમાં પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવા સામે મનાઈ હુકમ આપ્યો હતો. આમ, વડી અદાલતના ચુકાદાના પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી હોવાનું જાણવા મળે છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, વડી અદાલતના ચુકાદાને ધ્યાને લેતા ૮ ઓગસ્ટ, ૨૦૧૭થી પ્રવાસી શિક્ષકોની નિમણુંક અંગેની કાર્યવાહી કરવાની રહેતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.