એન્ટી ડમ્પીંગ બચાવવા ચાઈનીઝ એસેમ્બલી યુનિટોને તિલાંજલી આપવા સરકારની તૈયારી
સ્થાનિક ઈંજેકશન મોલ્ડીંગ મશીનરીના ઉત્પાદકોનો શ્ર્વાસ બેઠો
રાજુ એન્જિનિયર્સના ઉત્સવ દોશી સાથે અબતકની ખાસ વાતચીત
પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીનની આયાતમાં ડ્રેગનનો દબદબો હતો, સસ્તી કિંમતે થતી આયાતના કારણે સ્થાનિક કક્ષાએ પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીન બનાવતા ઉદ્યોગોને ફટકો પડતો હતો. જો કે આ બાબતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવામાં આવી હતી. પરંતુ મોટી એન્ટી ડમ્પીંગ ડયૂટી બચવા માટે ચાઈનીઝ ઉત્પાદકો ભારતમાં જ આવી ગયા હતા અને પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ બાબત ખુબ ચિંતાજનક છે. સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોને તકલીફ પડી છે.
એન્ટી ડમ્પીંગ ડયૂટીમાં કેન્દ્ર સરકારે ૨૦ ટકા જેટલો વધારો ર્ક્યો હતો. કેટલીક પ્રોડકટમાં ૭.૫ ટકાની જગ્યાએ ૧૩ ટકા જેટલો વધારો એન્ટી ડમ્પીંગ ડયૂટીમાં થયો હતો. આ નિર્ણયના કારણે પ્રારંભીક તબક્કે ઈંજેકશનના મોલ્ડીંગ મશીનના ઉત્પાદકોને રાહત થઈ હતી. જો કે, રાજુ એન્જીનીયર્સના ઉત્સવ દોશીના જણાવ્યા મુજબ ચાઈનીઝ ઉત્પાદકોને ભારતમાં જ એસેમ્બલી યુનિટ નાખવાની પરવાનગીઓ મળી જતાં તેમણે એન્ટી ડમ્પીંગ ડ્યૂટી બચાવવા માટે પેંતરો ર્ક્યો અને ચીનથી સામાન મંગાવી અહીં માત્ર એસેમ્બલી ર્ક્યું. પરિણામે સરકારનો એન્ટી ડમ્પીંગનો નિર્ણય પુરતો અસરકારક નિવડ્યો નથી. ઈંજેકશન મોલ્ડીંગ મશીન ઉત્પાદકો સહિતનાને કપરી હરિફાઈનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી સ્થિતિમાં હવે ડ્રેગન ભરડો વધુ કસાય તે પહેલા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીનની આયાતમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી કેટલા પ્રમાણમાં વધારી શકાય તે અંગે તપાસ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં પ્લાસ્ટીક મશીનરી મેન્યુફેકચર્સ એસો. દ્વારા ડિરેકટરેટ જનરલ ઓફ ટ્રેડ રીમીડીસ (ડીજીટીઆર)ને રજૂઆત કરવામાં આવી હતી અને સ્થાનિક કક્ષાએ ચાઈનીઝ આયાતના કારણે થતાં નુકશાનની વિગતો અપાઈ હતી.
ડમ્પીંગથી સ્થાનિક ક્ષેત્રને બચાવવા માટે ઉપરાંત ચાઈનીઝ એસેમ્બલી યુનિયોનો ભરડો ખાળવા સરકારે તૈયારી હાથ ધરી છે. પરિણામે સ્થાનિક ઈંજેકશન મોલ્ડીંગ મશીનના ઉત્પાદકો સહિતના પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીનના ઉત્પાદકોને રાહત થશે.