સોનાના દાગીના સહિત ૬.૨૦ લાખનો મુદામાલ જપ્ત
જૂના તાળાની ચાવી બનાવવાના બહાના હેઠળ ઘરમાં ઘુસી તિજોરી, કબાટમાં હાથ ફેરો કર્યો’તો
જુના તાળાની ચાવી બનાવવાના બહાના હેઠળ ઘરમાં ઘૂસી જઈ તિજોરી, કબાટમાં હાથ ફેરો કરી જતા ચીખલીકર ગેંગના બે સાગરીતોને જૂનાગઢ પોલીસે ઝડપી લઇ રૂ. ૬.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકારોને આપેલી માહિતી મુજબ, તાજેતરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા ૨.૫૨ લાખની ચોરી અંગે ગુનો દાખલ થયો હતો અને આ ચોરીનો ભેદ ઉકેલવા જુનાગઢ વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પીએસઆઇ એ કે પરમારને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, તે મુજબ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સ્ટોર્સના માધ્યમથી પ્રયત્નો ચાલુ હતા.
તે દરમિયાન એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી કરનાર ચીખલીકર ગેંગના બે માણસો જોશીપરા વિસ્તારમાં આવી ચડયા છે. ત્યારે એલસીબી પોલીસે તુરંત જ બાતમી સ્થળે પહોંચી જઈ પરબતસિંગ દિલીપસિંહ ચીખલીકર (ઉ.વ. ૨૮) તથા અમૃતસિંગ ઓમકારસિંગ ચીખલીકર (ઉ.વ. ૩૭) નામના બંને શખ્સોને શોધી તેમની પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહીં મળતા બન્ને શખ્સોને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવેલ હતા જ્યાં પોલીસની ભાષામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા બંને શખ્સોએ જોષીપુરા ખાતે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી અને રૂ. ૬.૨૦ લાખનો સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ ચીખલીકર ગેંગના પકડાયેલા આ બંને શખ્સો અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ શખ્સો વિવિધ શહેરોની શેરી અને મહોલ્લામાં ફરી અને ચાવી બનાવવાની ટેક્નિક અપનાવી અને એકલ દોકલ દંપતી કે વૃદ્ધને નિશાન બનાવી અને જૂના તાળાની ચાવી બનાવવાના બહાના તળે ઘરમાં ઘુસી તેની નજર ચૂકવી દાગીના, રોકડની ચોરી કરી જતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ઉપરાંત આ શખ્સોએ ગુજરાતના વિવિધ શહેરોમાં થયેલ ચોરીના બનાવમાં પણ સંડોવાયેલા છે એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ ચોરીના બનાવમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
જુનાગઢ પોલીસે ચીખલીકર ગેંગના બે સાગરીતોને ઝડપી લઇ અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે ત્યારે આ કામગીરીમાં જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઈ. ભાટ્ટી, પીએસઆઇ બડવા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમાર તથા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.