હોળી પહેલા જ તાપમાનનો પારો ૩૫ ડિગ્રી નજીક પહોંચી ગયો: રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં બફારો
ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર ઉપર ગંભીર અસરો થઈ છે. તાપમાનનો થયેલો વધારો હિમશીલાઓને ઓગાળી રહ્યો છે. પરિણામે ઉત્તરાખંડમાં તાજેતરમાં સર્જાયેલી આપદા જેવી ઘટનાઓ બની રહી છે. વર્તમાન સમયે ગ્લોબલ વોર્મિંગના કારણે લઘુતમ તાપમાન સતત વધે છે. હોળી પહેલા જ તડકા અને બફારાનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાનનો પારો ૩૫ ડિગ્રી નજીક પહોંચી ગયો છે.
ગુજરાતના કેટલાંક શહેરોમાં બપોર વચ્ચે બફારાનો અનુભવ થવા લાગ્યો છે. અસહ્ય બને તેવી શકયતા છે. માર્ચ મહિનાના શરૂઆતમાં જ તાપમાનનો પારો ૪૦ થી ૪૧ ડિગ્રી જેટલો રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હવામાન વિભાગના આંકડા મુજબ ડાંગ અને તાપી સહિતના સાઉથ ગુજરાતના જિલ્લાઓમાં ઝાપટા પડ્યા બાદ આગામી ૨ થી ૩ દિવસમાં તાપમાનનો પારો ઉંચકાશે.
અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૨.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જો કે, રાજકોટમાં અમદાવાદ કરતા વધુ તાપમાન હતું. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નજીક રહ્યું હતું. આજે વહેલી સવારે ઠંડકનો અનુભવ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ પર નોંધપાત્ર રહ્યું હતું. વહેલી સવારે લઘુતમ તાપમાન ૨૦.૧ ડિગ્રી જેટલું પહોંચી ગયું હતું. હવે શિયાળાના અંતિમ દિવસો છે. ઉનાળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અલબત ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળાનો પ્રારંભ થાય તે પહેલા જ ઉનાળા જેવી ગરમી અને બફારાનો અનુભવ કરવા લાગશે તેવી શકયતા છે.
ચાલુ વર્ષે કોરોના મહામારીએ પ્રકૃતિ તરફ લોકોનો પ્રેમ જગાડ્યો છે. કલાઈમેટ ચેન્જના ગંભીર મુદ્દા તરફ સામાન્ય લોકો પણ ધ્યાન દેવા લાગ્યા છે. ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે નવી પેઢી ગંભીર બની છે. જો કે, વર્ષોથી ચાલ્યા આવતા પ્રદુષણના કારણે જે નુકશાન થયું છે તે નજીકના સમયમાં સરભર થાય તેમ નથી. પરિણામે હજુ ઋતુ ચક્રમાં મોટાપાયે ફેરફાર આવી શકે છે.