કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે રાજકોટમાં પાંચ જાહેરસભાને સંબોધતા કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની
આગામી તા.૨૧ના રોજ રાજકોટની મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીની પાંચ જાહેરસભાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મવડી વિસ્તારમાં આવેલ બાપાસીતારામ ચોકમાં મહિલા સંમેલન, સ્વામી ચોકમાં જાહેરસભા, પવનપુત્ર (સોરઠીયાવાડી) ચોકમાં જાહેર સભા અને જંકશન પ્લોટના આંબલીયા હનુમાન ચોકમાં જાહેર સભા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં પ્રજાજનોને સંબોધતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાનીએ જણાવ્યું કે ભારતના પ્રજાજનોના આરોગ્યને સુદ્રઢ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બજેટમાં રૂા.૨.૨૦ લાખ કરોડની જોગવાઇ કરેલ છે. નરેન્દ્રભાઇએ આરોગ્યની યોજનાઓને સુદ્રઢ કરવા તેમણે ૨૦૧૪થી શરૂઆત કરી દીધેલ હતી.
કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રના આરોગ્ય વિભાગની યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું કે માતૃવંદના યોજનામાં ત્રણ વર્ષમાં ૧ કરોડ ૮૦ લાખ બાળકોને સ્વાસ્થયનો લાભ આપેલ છે. મહિલા અને બાળકોની કુપોષિત યોજનામાં પાંચ વર્ષમાં ૧ લાખ કરોડ રૂપિયા માતા તથા શિશુના પોષણ માટે ખર્ચ કરેલ છે. રાષ્ટ્રમાં પહેલીવાર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ છે. જેમણે ગરીબ પરિવારોના તબીબી આરોગ્યની ચિંતા કરેલ છે. આરોગ્યની આયુષ્યમાન ભારત યોજનામાં ૧૦ કરોડ ગરીબ પરિવારોને રૂા. પાંચ લાખનું કવચ આપેલ છે. જેમાં ૧૨૦૦ બિમારીઓની વ્યવસ્થા કરાયેલ છે.
ગરીબ પરિવારો માટે પ્રથમ વખત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયો બનાવવામાં આવેલ છે. ગરીબોના ખાતામાં પૈસા સીધા જમા થાય તે માટે ૪૦ કરોડ નાગરિકોના જનધન યોજના હેઠળ બેંકમાં ખાતાઓ ખોલવામાં આવેલ છે. કેન્દ્રની રૂા.૨ લાખની વીમા સુરક્ષા યોજનામાં પ્રથમ વખત ૮૫ લાખ લોકોને લાભ મળેલ છે. સ્વરોજગારી માટેની મુદ્રા યોજનામાં ૨૫ કરોડ લોકોને લોન સહાયનો લાભ આપવામાં આવેલ છે જેમાં ૮૦ લાખ લોકોને ગુજરાતમાં લાભ આપવામાં આવેલ છે.
શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ જણાવ્યું કે કોંગ્રેસે તેના શાસન દરમિયાન ગુજરાત સાથે પક્ષપાતભર્યું વલણ અખત્યાર કર્યું હતું. તમે ભાજપના ઉમેદવારોને આર્શિવાદ આપશો જે રાજકોટના વિકાસ માટે ફળશે.
કેન્દ્રીય મંત્રીએ કટાક્ષમાં કહ્યું કે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના વેપારીઓના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવાની વાત કરે છે જે આવતા સમયમાં ચા ની ચા અને પાણીનું પાણી થઇ જશે. કોંગ્રેસની રાજનીતિ ધૃણિત થઇ ગયેલ છે જે લોકોને કેન્દ્રના મંત્રાલયોની પણ જાણકારી નથી તેઓ સત્તા ઉપર આવવા માટે સ્વપ્ન સેવી રહ્યા છે.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ૪૦ વર્ષના શાસનમાં પ્રજાનો પ્રેમ, હુંફ ભાજપને મળેલ છે. આપણું રાજકોટ, સુંદર રાજકોટ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. છેલ્લા ૪ વર્ષમાં રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનેક નાની-મોટી યોજનાઓ અને પ્રોજેકટની રાજકોટને ભેટ આપેલ છે. કેન્દ્ર સરકારના સહયોગથી રાજકોટને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળેલ છે. આગામી ચૂંટણીમાં ભાજપને મત આપીને કમલ ખીલવવા પ્રજાજનોને અપીલ કરી હતી. સોરઠીયાવાડીના પવન પુત્ર ચોકની સભામાં કોંગ્રેસ અગ્રણી માણસુરભાઇ વાળા અને તેમના કાર્યકરો અને અપક્ષ ઉમેદવાર લખનભાઇ મેર ભાજપમાં જોડાતા તેઓને આવકાર આપવામાં આવ્યો હતો. ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે રાજકોટમાં ૪૦ વર્ષથી પ્રજાજનોના અવિરત પ્રેમથી કમળ ખીલતું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને એઇમ્સ આપેલ છે. આવતા દિવસોમાં ગુજરાતના લોકોને તબીબી સેવા માટે બહાર નહીં જવું પડે. રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ ભેટ આપેલ છે. જેના પરિબળો સૌરાષ્ટ્રમાં વેપાર-ઉદ્યોગને વધુ વેગ મળશે અને સમૃધ્ધિ વધશે. રાજકોટને સૌની યોજનાનો લાભ આપેલ છે. રાજકોટની પ્રજાને પાણીની મુશ્કેલી પડવા દીધા નથી. રાજકોટની ૧૦૦ સુચિત સોસાયટીઓને નિયમિત કરવામાં આવેલ છે. તેમણે આગામી વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન રાજકોટના વિકાસની સંકલ્પ પત્રની વિગતો આપી હતી. પવન પુત્ર ચોક ખાતે પેન્ટર શૈલેષભાઇ ગોહિલે સ્મૃતિબેન ઇરાનીનું બનાવેલ ચિત્ર તેમને અર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમોમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, પૂર્વ મેયરો જૈમનભાઇ ઉપાધ્યાય, ઉદયભાઇ કાનગડ, શ્રીમતી રક્ષાબેન બોળીયા, કશ્યપભાઇ શુકલ, રાજુભાઇ બોરીચા, હસુભાઇ ચોવટીયા, હેમુભાઇ પરમાર વિવિધ વોર્ડના ભાજપના ઉમેદવારો, પૂર્વ કોર્પોરેટરા, વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વોર્ડના પ્રભારીશ્રીઓ, વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ, પેજ પ્રમુખશ્રીઓ, પેજ કમીટીના સભ્યો, ભાજપના કાર્યકરભાઇઓ તથા બહેનો તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતાં.