સોમવારે કાર્યકરો ઉપર થયેલા હુમલા બાદ માંગણી દોહરાવી
જુનાગઢ વોર્ડ નં. ૧૫ ના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું હથિયાર પોલીસને સોંપી દીધા બાદ અન્ય ઉમેદવારોને જેમ રક્ષણ આપવામાં આવ્યું છે તેવું પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી છે અને જેના સમર્થનમાં તેમના ટેકેદારો દ્વારા ડીએસપી કચેરી સામે ધરણા પણ યોજવામાં આવ્યા હતા.જુનાગઢ વોર્ડ નં. ૧૫ ના ઉમેદવાર અને પૂર્વ મેયર લાખાભાઇ પરમાર પોતાનું અંગત હથિયાર સ્વરક્ષણ માટે ધરાવે છે, પરંતુ ચૂંટણીના કારણે તેમણે પોતાનું હથિયાર જમા કરાવી દીધું છે ત્યારે તેમણે પોલીસ રક્ષણની માગણી કરી હતી અને પોલીસ દ્વારા તેમને રક્ષણ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી તેમને પોલીસ રક્ષણ ફાળવવામાં આવેલ નથી અને સોમવારે તેમના કાર્યકરો ઉપર થયેલા હુમલા બાદ પોતાને રક્ષણ મળે તે માટે માંગણી દોહરાવી હતી. દરમિયાન લખાભાઇ પરમારના પુત્ર ધર્મેન્દ્ર ભાઈ પરમાર સહિતના ટેકેદારો દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી સામે આ બાબતે ધરણાં ઉપર ઉતર્યા હતા ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઇ પોંકીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા અને આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે