સભ્ય સંખ્યાબળ ઓછુ હોવાના કારણે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનમાં નહીં ઉતારે: ભાજપના ઉમેદવાર

રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિ કાલે ૧૨ કલાક અને ૩૯ મિનિટના શુભ વિજય મુહૂર્તે નામાંકન પત્ર દાખલ કરશે

ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યાબળ ઓછુ હોવાના કારણે રાજ્યસભાની એક પણ બેઠક જીતી શકે તેવી સ્થિતિમાં ન હોવાના કારણે કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે. આવામાં આવતીકાલે ગુરૂવારે બપોરે ૧૨ કલાક ૩૯ મિનિટના શુભ વિજય મુહૂર્તે રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કરતાની સાથે જ રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિ સાંસદ બની જશે. જો કે, સત્તાવાર જાહેરાત તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. લાંબા સમય બાદ હવે ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના ૮ સાંસદો ગૃહમાં હશે અને કોંગ્રેસના માત્ર ૩ સાંસદો જ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા નજરે પડશે.

કોંગ્રેસના કદાવર નેતા અહેમદભાઈ પટેલ અને ભાજપના અગ્રણી અભયભાઈ ભારદ્વાજના અકાળે અવસાનના કારણે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી ૧લી માર્ચના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જે રીતે ભાજપને ૨૧૯ બેઠકો બિનહરીફ પ્રાપ્ત થઈ ચૂકી છે. તે જ રીતે હવે રાજ્યસભાની બે બેઠકો પણ ભાજપને બિનહરીફ મળી જશે. ગઈકાલે બપોરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમીતી દ્વારા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં મારૂતિ કુરીયરના માલીક રામભાઈ મોકરીયા અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી અલગ અલગ બેલેટ પેપરમાં યોજાવાની છે. આવામાં આ બન્ને ઉમેદવારોની જીત ફાઈનલ મનાઈ રહી છે. રાજ્યસભાની એકપણ બેઠક જીતી શકે તેટલું સંખ્યાબળ કોંગ્રેસ પાસે ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવારો ન ઉતારવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે બપોરે ભાજપના બન્ને ઉમેદવારો રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિ ફોર્મ ભરતાની સાથે જ રાજ્યસભાના સાંસદ બની જશે. જો કે તેઓની જીતની ઔપચારિક જાહેરાત બાકી રહેશે. ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ બન્ને ઉમેદવારોને વિજેતા ઘોષીત કરવામાં આવશે. રામભાઈ મોકરીયા જુલાઈ ૨૦૨૬ સુધી રાજ્યસભાના સાંસદ રહેશે. જ્યારે દિનેશભાઈ પ્રજાપતિ ઓગષ્ટ ૨૦૨૩ સુધી રાજ્યસભાના પ્રતિનિધિ તરીકે સેવા આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની કુલ ૧૧ બેઠકો છે જેમાં વર્ષો બાદ ભાજપને ફાળે હવે ૮ બેઠકો આવશે અને કોંગ્રેસે ૩ બેઠકો સાથે જ સંતોષ માની લેવો પડશે. હાલ રાજ્યસભાની જે નવ બેઠકો છે તેમાં ભાજપના સાંસદ તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકર, પુરૂષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, રસીલાબેન બારા, જુગલજી ઠાકોર અને નરહરી અમીન ચૂંટાયા છે. જ્યારે કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા, શક્તિસિંહ ગોહિલ અને અલ્કાબેન યાજ્ઞીક સેવા આપી રહ્યાં છે.

રાજ્યસભામાં ભાજપનું સભ્યસંખ્યા બળ સતત વધી રહ્યું છે. ત્યારે બીજીતરફ લોકસભામાં પક્ષ પાસે તોતિંગ બહુમતિ છે જો રાજ્યસભામાં બહુમતિ થઇ જાય તો કોઇપણ બિલ પાસ કરાવવામાં સરળ રહેશે. આવતીકાલે જ્યારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે પ્રદેશના અગ્રણીઓ અને સમર્થકો પણ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.