અશોકભાઈ ડાંગર મહાપાલિકાની ચૂંટણી લડી રહ્યાં હોય તમામ 18 વોર્ડમાં પક્ષની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાઈ કાર્યકારી પ્રમુખની વરણી
રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના કાર્યકારી પ્રમુખ તરીકે સીનીયર આગેવાન પ્રદિપભાઈ ત્રિવેદીની આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર વોર્ડ નં.17માંથી મહાપાલિકાની ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે તમામ વોર્ડમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર ચૂંટણી લડી રહ્યાં છે. આવામાં 18 વોર્ડમાં મહાપાલિકાની ચૂંટણી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવા માટે પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે સીનીયર આગેવાન પ્રદિપભાઈ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે. સાથો સાથ પ્રદેશ અધ્યક્ષે તેઓને નવી જવાબદારીમાં સફળ બનો તેવી શુભેચ્છા પણ પાઠવી છે.કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદિપભાઈની વરણી કરવામાં આવતા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુતે તેઓને શુભેચ્છા પાઠવી હતી અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાપાલિકાની ચૂંટણી બાદ તેઓને કાર્યકારી પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે.