આત્મનિર્ભર સ્ત્રી શક્તિ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટ, રાજકોટ યુથ સ્પોટ, યુવા કોટ, વડિલ વંદના, સામાન્ય જન, નવા વિસ્તારોને નવી સુવિધા, કલા અને સંસ્કૃતિનો વિકાસ, વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોને પ્રાધાન્ય, ટ્રાફિક નિયમન, ફીટનેશ અને પર્યાવરણ પર ભાર મુક્તો ચૂંટણી ઢંઢેરો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર ચાર દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટની વિજય વિકાસ યાત્રા, ઉત્તમથી સર્વોત્તમ, સુંદરથી અતિ સુંદરના બુલંદ સંકલ્પ સાથે 12 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, યુવા વર્ગ, વડીલ વર્ગ, સામાન્ય જન, યુવાનો, વાણીજય, આરોગ્ય, ટ્રાફિક, પર્યાવરણ અને ફીટનેશ તથા સ્પોર્ટસને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ જોશીપુરા, રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ અને સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ 12 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકાના 47 વર્ષના ઈતિહાસમાં ભાજપે 42 વર્ષ રાજકોટવાસીઓની સેવા કરી છે. 2021 થી 2026 સુધી રાજકોટમાં આંતર માળખાકીય સુવિધા વધે તે માટે ભાજપે આજે ચૂંટણી પૂર્વે સંકલ્પ પત્ર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં આત્મનિર્ભર સ્ત્રી શક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. બહેનો પોતાની કળા, કૌશલ્ય થકી પગભર થાય, પોતાના પરિવારના ઉત્કર્ષ માટે નિમિત્ત બની શકે એવી વ્યવસ્થા મહાનગરપાલિકા કરશે. હેન્ડલૂમ, હેન્ડીક્રાફટ ક્ષેત્રે કાર્યરત બહેનોને રોજગાર મળી રહે એ માટે આત્મનિર્ભર હાટની શહેરમાં રચના કરવામાં આવશે. પોતાના ઘરે બનાવેલી વસ્તુઓ આ બહેનો એક જ સ્થળે વેંચીને સન્માન ભર્યું જીવન જીવી શકશે. મહિલાઓ માટે અલગ કનવેંશન સેન્ટર બનશે. જ્યાં એમના માટે પુસ્તકાલય, યોગા સેંટર, રસોઈના વર્ગો, ઈન્ડોર રમતો સહિતની વ્યવસ્થા હશે. ગૃહ ઉદ્યોગ, વણાટકામ પર આધારિત અનેક મહિલાઓ સ્વરોજગારી પામે અને આત્મનિર્ભરનું સૂત્ર સાકાર કરે એ ભાવના અહીં છે.
ઈન્ટરનેટ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટમાં શહેરના વર્તમાન બાળ ક્રીડાંગણને વધુ વિકસાવવાની સાથે અદ્યતન સાધનો, આકર્ષક પ્રવૃતિઓ સાથેના નવા સ્થળો બનાવવા માટે યોજના થશે. વર્તમાન લાઈબ્રેરીમાં ટોચ લાઈબ્રેરી છે એનો પણ વિકાસ થશે. બાળકો ઈન્ટરનેટના માધ્યમથી અને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન સાથે આનંદ મેળવે એવી પ્રવૃતિઓ હાથ ધરાશે.
રાજકોટ, યુથ સ્પોટ, યુવાકોટમાં શહેરના યુવાનો પોતાની કારકિર્દી માટે પુસ્તકો અને અન્ય સુવિધા સારી રીતે મેળવી શકે એ માટે વ્યવસ્થા હાથ ધરાશે. સ્પર્ધાત્મક પરીક્ષા, અભ્યાસ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સંખ્યા વધારાશે. શહેરની લાઈબ્રેરી અત્યારે રીડીંગરુમની વ્યવસ્થા છે. શહેરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એનો લાભ લે છે. વધુ સંખ્યામાં ત્યાં યુવાનોને સમાવી શકાય એ માટે વાંચનાલય વધારવામાં આવશે. ઈન્ટરનેટ-વાઈફાઈની સુવિધા, ઈંગ્લીશ અને અન્ય પરદેશી ભાષા પણ જાણે એ માટે ટોકન દરે નાઈટ કે ઈવનિંગ સ્કૂલ શરૂ કરાશે. ભાષા ઉપરાંત કારકિર્દી ઘડતરની અન્ય પરીક્ષાઓ અંગે નિષ્ણાંતો માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે માર્ગદર્શન.
વડીલ વંદનામાં દાદા-દાદી પાર્ક રાજકોટમાં વર્ષો પહેલા ભાજપ શાસિત મહાનગરપાલિકાએ બનાવ્યા હતા. આ જ સંકલ્પના આગળ લઈ જઈને સુવિધાજનક, આરામદાયક બેસવાની વ્યવસ્થા વાળા બગીચાનું નિર્માણ, લાયબ્રેરીમાં વડીલોને લાઈનને બદલે અગ્રતા, રસ્તાઓની સાઈડમાં વડીલો અડચણ વગર ચાલી શકે એવી વ્યવસ્થા પણ આવતા દિવસોમાં આપશું.
સામાન્ય જનમાં રાજકોટમાં લોકોને પુરતું પાણી તો મળતું થયું છે. હવે જોઈએ તેટલું પાણી મળે એ દિશામાં જવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગ્રતા આપીને જેને આગળ વધારી છે. એ સૌની યોજના થકી જળાશયો છલોછલ રહે છે. આગામી દિવસોમાં “નલ સે જલ યોજના” દ્વારા ગેસ અને વીજળીની જેમ હવે પાણી પણ ચોવીસ કલાક મળે એવી વ્યવસ્થા કરાશે. શહેરના વધુ રસ્તા સિમેન્ટ, ક્રોકિટના બને, ટ્રાફિકની સમસ્યા ન થાય એ રીતે રસ્તાનું આયોજન થશે. શહેરમાં ખાદ્ય, પેય વસ્તુ અને ચીજોના વેચાણ માટે હોકર્સ ઝોન, વેપાર, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, ફેરિયા, રેંકડીયા ધારકો માટે સુવિધાજન ઝોન બનાવવામાં આવશે.
નવા વિસ્તારો નવી સુવિધામાં શહેરનો હિસ્સો બનેલા મોટાં મવા, મનહરપર-1, ઘંટેશ્ર્વર, મુંજકા, માધાપર અને અન્ય નવા વિસ્તાર પણ પ્રાથમિક સુવિધા અને વિકાસકામોની ગતિ અન્ય વિસ્તાર જેવી જ થાય, રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી સુવિધા, લાયબ્રેરી, સ્વિમિંગ પુલ, કોમ્યુનિટી હોલ, બગીચા, આરોગ્ય કેન્દ્રો પાંચ વર્ષ દરમિયાન અપાશે.
કળા અને સંસ્કૃતિમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં 1500 લોકોની ક્ષમતા સાથેનું, ગ્રીન રૂમ અને ફૂડ કોર્ટ, ઓડિટોરિયમ બનશે. બહેનો માટે હેંડીક્રાફટ-હાટ માટે મુંબઈ પૃથ્વી થિયેટર, કલાકારો માટે વ્યવસ્થા. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગોમાં શહેરની પાંચ મુખ્ય બજારોમાં ઓટોમેટિક વોટર મશીન મુકાશે, રૂપિયાનો સિક્કો નાખવાથી એક લિટર આલ્કલાઈન પાણી મેળવી શકાશે. સ્વાસ્થ્યવર્ધક પાણીનો ઉપયોગ કરી શકશે. ઈમિટેશન જવેલી પાર્ક, ભીડવાળી બજારોમાં પાર્કિંગની વ્યવસ્થા, 4 નવા ફૂડ ઝોન બનશે.
આરોગ્ય એ જ સંપતિમાં દરેક આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ થશે. વધારાની સેવાઓ ઉપલબ્ધ બનાવાશે. યુરિનલનું આધુનિકરણ, દરેક યુરિનલમાં નળ કનેકશનથી સજ્જ, સફાઈ થશે. ટ્રાફિક નિયમનમાં શહેરના અલગ અલગ સ્થળે કુલ પાંચ નવા અંડરબ્રિજ, ફલાય ઓવર, શહેરના ગીચ વિસ્તારોમાં ટોકન દરે પે પાર્ક, રસ્તા પહોળા કરવામાં આવશે.
ફીટનેશ એન્ડ સ્પોર્ટ્સમાં શહેરમાં નવું ઈન્ડોર સ્ટેડિયમ, બેડમિન્ટલ, ટેબલ ટેનિસ જેવી રમતો માટે વ્યવસ્થા ઉભી કરાશે. નવું જિમ તથા યોગખંડ પણ બનશે.
પર્યાવરણમાં શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં કુલ ત્રણ લાખ રોપાઓનું વૃક્ષારોપણ, બગીચાઓ, પાર્કનું નિર્માણ, ગ્રીન રાજકોટ કલીન રાજકોટ માટે અનેકવિધ પ્રવૃતિઓ રોડ, ફૂલોના રોપા, થીમ આધારિત બગીચાઓ.