સાબરમતી એક્સપ્રેસમાં આગ ચાંપવાની ઘટનામાં મુખ્ય સૂત્રધારની ભૂમિકા ભજવનાર આરોપીની એસઓજીએ કરી ધરપકડ

ગોધરા  રેલ્વે સ્ટેશન પર સાબરમતી ટ્રેન હત્યાંકાડના કેસમાં 19 વર્ષથી નાસતા ફરતા આરોપી રફીક હુસેન ભટુકને ગોધરા પોલીસે તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો છે.આરોપી થોડા દિવસ અગાઉ તેના ઘરે આવીને છુપાઈને રહેતો હતો.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં હજી સાત આરોપીઓ વોન્ટેડ છે જે પૈકી ચાર આરોપીના ટૂંકા અને અડધા નામ છે. જ્યારે ગોધરાના બે આરોપીઓ શોકત એહમદ ચરખા અને સલીમ પાનવાલા પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા સંલગ્ન પોલીસ મથકો અને શાખાઓને સુચના આપવામાં આવી છે. જે આધારે ગોધરા એસઓજી ટીમે પણ આરોપી પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન એસઓજી પીઆઇને બાતમી મળી હતી કે, સાબરમતી ટ્રેન હત્યાકાંડના કેસમાં  19  વર્ષથી નાસતો ફરતો આરોપી રફીક ભટુક તેના ઘરે આવ્યો છે.

બાતમી મુજબ એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી રફીક હુસેન ભટુકની તેના ઘેર મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયા ખાતે તપાસ કરતા તે મળી આવતા ધરપકડ કરાઇ હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ  કાર્યવાહી માટે  ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

ગોધરામાંથી જ ઝડપાયેલા રફીક હુસેન ભટુક પોતાની ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટયો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.