કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે ઉંઝામાં ઉમીયા માતાજીના મંદિરે દર્શન કરશે
નવસારી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી સભાઓ સંબોધશે
કાલે સૌરાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રીના ધામા: રાજકોટ, અમરેલી, સાવરકુંડલા, લાઠીમાં ચૂંટણીસભા-જનસંપર્ક અભિયાન
રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાનના આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે હવે મતદારોને રીઝવવા માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃતિ ઈરાની આજથી બે દિવસ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ધામા નાખશે. બે દિવસ દરમિયાન તેઓ એક ડઝન જેટલી જાહેરસભા સંબોધશે. મહિલા સંમેલનમાં હાજરી આપશે, ડોર ટુ ડોર લોકસંપર્ક કરશે અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં અલગ અલગ મહાપાલિકા અલગ અલગ વોર્ડમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરશે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ વડોદરામાં બે સ્થળે જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા દ્વારા પણ અલગ અલગ પાંચ સ્થળે ચૂંટણી સભા સંબોધશે.
આજે સવારે કેન્દ્રીય કૃષિ મંત્રી સ્મૃતિ ઈરાનીનું ગુજરાતમાં આગમન થયું હતું. સવારે 10 કલાકે નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના ઝામલીયામાં ચૂંટણી સભા સંબોધી હતી. ત્યારબાદ તેઓએ ચીખલી તાલુકાના સમરોલીમાં એક ચૂંટણીસભા ગજાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. બપોરે 4 કલાકે સ્મૃતિ ઈરાની પાટણ જિલ્લાના ચાણસમાં તાલુકાના લણવા ખાતે એક ચૂંટણી સભાને સંબોધશે. ત્યારબાદ તેઓ 5:30 કલાકે ઉંઝા સ્થિત ઉમિયા માતાના મંદિર દર્શન કરવા માટે જશે. સાંજે 6 કલાકે તેઓ મહેસાણા જિલ્લાના ઉંઝામાં એક ચૂંટણી સભા સંબોધશે અને રાત્રીના 8 કલાકે ગાંધીનગર જિલ્લાના કલોલમાં નવજીવન મીલ કમ્પાઉન્ડ ખાતે ચૂંટણીસભા સંબોધશે.
આવતીકાલે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃતિ ઈરાની સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે. કાલે તેઓ અમદાવાદ, રાજકોટ, અમરેલી, સાવરકુંડલા, લાઠી સહિતના સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે. કાલે બપોરે સ્મૃતિ ઈરાની રાજકોટ આવી પહોંચશે. તેઓ એક મહિલા સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 5 થી 6 કલાક દરમિયાન વોર્ડ નં.7માં લોકસંપર્ક અભિયાન દરમિયાન ડોર ટુ ડોર ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે. જ્યારે 6 થી 7 કલાક દરમિયાન વોર્ડ નં.11માં એક મહિલા સંમેલનમાં હાજરી આપશે અને વોર્ડ નં.13 તથા 14માં જાહેરસભાઓ સંબોધશે.
મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ કોરોનાના સકંજામાં સપડાયા હોય ચૂંટણી પ્રચારની જવાબદારી હવે અન્ય સ્ટાર પ્રચારકો પર વધુ રહેશે. મહાપાલિકાના ચૂંટણી પ્રચારને આડે હવે માત્ર 4 દિવસ જ બાકી રહ્યાં છે. શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. આવામાં ચાર દિવસમાં શક્ય તેટલા મતદારો સુધી પહોંચી શકાય તેવી વ્યૂહરચના સાથે ભાજપ આગળ વધી રહ્યું છે.
દરમિયાન આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાંજે વડોદરામાં સુભાનપુરા અને ખંઢેરાવ માર્કેટ ચાર રસ્તે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણીસભા સંબોધશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા આજે ખેડા જિલ્લાના કઠલાલમાં સવારમાં ચૂંટણીસભાને સંબોધી હતી. આજે દિવસ દરમિયાન રૂપાલા ખેડા જિલ્લાના મહુધા, અમદાવાદમાં બોડકદેવ, ખોખાળા અને બાપુનગર વિસ્તારમાં ચૂંટણીસભા સંબોધશે.
ભાજપ દ્વારા આજે મહાપાલિકાની ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 6 મહાપાલિકામાં સત્તા પર આવશે તો મતદારોને શું આપશે તેના સંકલ્પ જાહેર કરવામાં આવ્યા છે. હવે મતદાનને આડે માત્ર પાંચ દિવસનો સમયગાળો બાકી છે અને પ્રચાર પડઘમ ચાર દિવસમાં શાંત થઈ જશે તેવામાં આજથી ચૂંટણીનો માહોલ પુરજોશમાં જામે તેવું લાગી રહ્યું છે.