રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. 86.50: પેટ્રોલ અને ડીઝલમાં આજે સરેરાશ 30 અને 35 પૈસાનો વધારો
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત 8માં દિવસે વધારો જોવા મળ્યો છે. આજે રાજકોટમાં પેટ્રોલનો ભાવ સરેરાશ 30 થી 35 પૈસા વધીને રૂા.86.50 નજીક પહોંચી ગયો છે. આ ઉપરાંત ડિઝલમાં પણ 35 પૈસાનો વધારો થયાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ મહિને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોળાયેલા સતત વધારાના પગલે લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના કેટલાંક ભાગમાં તો પેટ્રોલનો ભાવ રૂા.100ને પણ પાર થઈ ચૂક્યો હોવાનું જાણવા મળે છે.
આજે ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂા.86.49 હતો જ્યારે અમરેલીમાં 87.73 અને રાજકોટમાં 86.50 જેટલો રહ્યો હતો. આ ઉપરાંત સુરત અને વડોદરામાં અનુક્રમે રૂા.86.69 અને રૂા.86.40 રહ્યો હતો. સતત થયેલા ભાવ વધારાના પગલે આમ આદમી પરેશાન થઈ ચૂક્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત દરરોજ સવારે 6 વાગ્યે બદલાવ આવે છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં એકસાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુના ઉમેરાથી ભાવ લગભગ બમણા થઈ જાય છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ આજે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 89.29 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 95.75 રૂપિયા, કલકત્તામાં 90.54, ચેન્નઈમાં 91.45 રૂપિયા છે. ઉપરાંત ડિઝલમાં દિલ્હીનો ભાવ 79.70, મુંબઈમાં 86.72 જ્યારે કલકત્તામાં 83.29 રૂપિયા છે. સતત ઈંધણમાં થઈ રહેલા વધારાના પરિણામે રોજ-બરોજની ચિજવસ્તુ પર ભાવ વધારાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઈંધણના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ શકે છે.
આવી રીતે જાણો તમારા વિસ્તારના ઈંધણના ભાવ
એસએમએસ દ્વારા પેટ્રોલ-ડિઝલની કિંમત જાણી શકાય છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો હોય છે. જે મેળવવા તમારે આઈઓસીએલની વેબસાઈટ ખોલવી પડશે.