26મી જાન્યુઆરી પહેલા ઝૂમ મીટીંગના માધ્યમથી ટ્વીટર પર આંદોલનનો મુદ્દો વધુ ને વધુ ભડકાવવાનો પ્રયાસ થયાનું જાહેર કરતી પોલીસ
21 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિ બાદ વધુ લોકો પોલીસની ઝપટે: બિન જામીનપાત્ર વોરંટ કઢાયા
ત્રણ કૃષિ વિધેયકના વિરોધમાં દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. 26મી જાન્યુઆરીએ આંદોલન બેકાબુ બની ગયા બાદ તોડફોડ સહિતની ઘટનાઓ થઈ હતી. આ ઘટનાઓ પાછળ આંદોલનકારી ઓને ઉશ્કેરવા અને વૈશ્ર્વિક કક્ષાએ ભારતની છબી બગાડવાના હેતુથી એક અભિયાન છેડાયું હોય તેવું ઉપસી હતું. આ સમયગાળામાં પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટાથનબર્ગ તેમજ જાણીતી પોપ શિંગર રિહાના સહિતનાએ આંદોલનકારીઓના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ટુલકીટ આપવામાં આવી હતી. આ ટુલકીટ ગુગલ ડોક્યુમેન્ટના માધ્યમથી બનાવાઈ હતી. આ ટુલકીટમાં ક્યારે, ક્યાં, કેવી રીતે આંદોલનકારીઓના સમર્થનમું ઉતરવું, કેવી રીતે વિરોધ કરવો તેની માહિતી હતી. એકંદરે ચળવળમાં વૈશ્ર્વિક સ્તરેથી દબાણ લાવવાનો નાપાક પ્રયાસ થયો હતો.
આ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા એક બાદ એક ધરપકડનો દૌર શરૂ થયો છે. પ્રારંભીક તબક્કે પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ દિવસ માટે કોઈપણ કાયદેસરની કાર્યવાહી વગર સીધા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપી નીકીતા જેકબ વિરુધ્ધ કોર્ટમાંથી બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. હવે આવી સ્થિતિમાં દિશા રવિની ધરપકડ બાદ પોલીસે તેના નિકટના લોકો સામે સકંજો કસ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ ગત 11મી ફેબ્રુઆરીએ નિકીતા જેકબે પોલીસે સર્ચ કર્યું હતું. પોલીસના સાયબર સેલ યુનિટે ઈલેકટ્રીક અને મોબાઈલ ફોન સહિતની તપાસ કરી હતી. અગાઉ પણ દિશા રવિની ધરપકડ બાદ મામલો ચગ્યો હતો. પોલીસના કહેવા મુજબ ટ્વીટર પર મુદ્દો ચલાવવા માટે 26મી જાન્યુઆરીના રોજ એક ઝુમ મીટીંગ થઈ હતી જેમાં એમ.ઓ.ધાલીવાલ નિકીતા અને દિશા ઉપરાંત અનેક લોકો સામેલ હતા. આ મીટીંગમાં મુદ્દો ખુબ ચગાવવા માટે ખોટી ફેલાવાનું નક્કી કરાયાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસનું કહેવું છે કે, દિશા રવિ દેશને બદનામ કરી માહોલ બગાડવાની બાબતમાં ટુલ કીટ કેસની મુખ્ય સૂત્રધાર છે. દિશાએ ટુલ કીટ ઘણી વખત એડીટ કરી હતી. દિશા ખેડૂત આંદોલનથી પ્રભાવિત હતી અને ખેડૂતના સમર્થનમાં આવું કરી રહી હોવાનો દાવો કર્યો હતો. અલબત સાયબર સેલે જે રીતે બેંગ્લોરથી 21 વર્ષની દિશાની ધરપકડ કરી તે બાબતનો વિરોધ થઈ રહ્યો છે. પર્યાવરણ મુદ્દે લડતી કાર્યકર્તાની આ પ્રકારની ધરપકડના કારણે કેટલીક સંસ્થાઓ દ્વારા વિરોધનો સુર ઉઠ્યો છે. પોલીસે ટુલ કીટ કાંડમાં અનેક ઈમેઈલ આડી, ઈસ્ટાગ્રામ એકાઉન્ટ સહિતનું સોશિયલ મીડિયાનું સાહિત્ય એકઠુ કર્યું છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટના માધ્યમથી ફેલાવવામાં આવેલું સાહિત્ય પણ પોલીસને મળ્યાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. ગુગલ ડોક્યુમેન્ટમાં તૈયાર થયેલી ટૂલ કીટની દિશા રવિ એડીટર હતી. અને વોટ્સએપ ગ્રુપ દ્વારા આ ટુલ કીટથી અનેક ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. આ કેસમાં ખાલીસ્તાની સમર્થન ધરાવતું પોએટીક જસ્ટીસ ફાઉન્ડેશન મુખ્ય સુત્રધાર હોવાનું માલુમ પડ્યું છે.