ગરવા ગિરનારની ગોદમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના શ્રીમુખેથી નવ નવ દીક્ષાના કલ્યાણ દાન અર્પણ થયા
ગરવા ગિરનારની ગોદમાં નવ નવ આત્માઓને દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કરવા રાષ્ટ્રસંત ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજે પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું કે જાગતો રહે તે જોગી, સૂઈ જાય તે સંસારી દેશ 25 લાખથી વધુ ભાવિકો લાઈવના માધ્યમથી સવારથીસાંજ સુધી દસ દસ કલાક દીક્ષા મહોત્સવમાં જોડાઈ દિવ્યતાથી ભીંજાયા હતા.
અબોલ જીવોની પીડા અટકાવવા પ્લાસ્ટીકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા અનેક આત્માની પ્રતિજ્ઞા
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ શ્રીમુખેથી ગિરનારની ધન્ય ધરા પર ફરી એકવાર નવ-નવ આત્માઓને દીક્ષાના કલ્યાણ દાન આપવામાં આવતાં પ્રભુ નેમનાથના દરબારમાં અનંત આત્માઓની સાથે ઓર નવ આત્માના પ્રવેશનો મંગલમય પ્રારંભ થયો
ગિરનારની ગોદમાં ગુંજયો ‘અભયદયાણં આત્મ કલ્યાણં’ શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો નાદ
ગરવા ગિરનારની ધરા પર શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, ક્વેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ સોની પરિવારના લાભાર્થી શ્રી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે આયોજિત કરવામાં આવેલાં મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે વી જૈન વન જૈન સાથે જોડાએલાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત તેમજ ઉત્તર ક્ષેત્રના મળીને સમગ્ર ભારતના 108થી વધુ જૈન સંઘોની સાથે અમેરિકા, લંડન, સુદાન, દુબાઈ, કોંગો, મલેશિયા, સિંગાપુર આદિ વિદેશના ક્ષેત્રોના સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત સંત-સતીજીઓ તેમજ 25 લાખથી પણ વધુ ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને ધન્યાતિધન્ય બન્યાં હતાં. આ અવસરે, નેમ દરબારમાં ઇન્દ્રભારતીજી બાપુ, મુક્તાનંદજી સ્વામી, શેરનાથજી બાપુ, દલપતગિરીજી બાપુ તેમજ મહત્તાનંદજી મહારાજ તેમજ જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ વિશેષ ભાવ સાથે પધાર્યા હતાં.
મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ વહેલી સવારે સુરેશભાઈ નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો. ત્યાગી આત્માઓના જયકાર, લહેરાતાં ધર્મ ધ્વજ, જિન શાસનની ગૌરવ ગાથા ગુંજવતાં સૂત્રો, અષ્ટ મંગલના શુભ પ્રતિક, મસ્તકે કલશધારી બહેનો અને સેંકડો ભાવિકોથી શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા વાજતે ગાજતે નેમ દરબારના પ્રાંગણમાં વિરામ પામતાં જ લાખો હૃદયના ઉછળતાં ભક્તિભાવ સાથે દીક્ષાર્થીઓના ભવ્યાતિભવ્ય સ્વાગત વધામણા કરવામાં આવ્યાં આ અવસરે અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીઓની ભાવ અભિવ્યક્તિ બાદ લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન તેમજ એમના લલાટે વિજય તિલક કરીને જેમપીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું હોય એમ અંતિમવાર માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને, સંસારને અલવિદા કરીને વેશ પરિવર્તન કરવા માટે પૂર્વક દોટ મૂકતાં દૃશ્યો લાખો ભાવિકોના રોમ રોમને સ્પંદિત કરી ગયાં હતાં.
ઉપરાંતમાં, ગિરનારની સાક્ષીએ તેને વંદન કરતાં કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મૂંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દૃશ્યો નિહાળીને લાખો ભાવિકોનીઆંખ અશ્રુભીની થઈ હતી. લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચે નવ મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ કરીને ગુરુ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરવા પધારતાં જ સહુના હૃદય અભિવંદિત બની ગયાં હતાં.વેશ પરિવર્તન કરીને પધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવી હતી.
દિવસો અને મહિનાઓથી જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં એવી ધન્યાતિધન્ય ક્ષણ આવી હતી જ્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે મુમુક્ષુઓના માતા-પિતા, ધર્મ માતા-પિતા, શ્રી ગોંડલ સંપ્રદાય સમિતિના સભ્યો, ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના સભ્યો તેમજ સ્વયં મુમુક્ષુ આત્માઓની આજ્ઞા સ્વીકૃતિ લઈને ગિરનારના સાંનિધ્યે ગિરનાર દર્શન કરતાં-કરતાં આમ્રવૃક્ષની છાયામાં નાભિનાદ સાથે, બ્રહ્મસ્વરેદિવ્ય મંત્ર ધ્વનીના ઉદઘોષણા કરવામાં આવી.
ગિરનારની ધરા પર સેવા, સાધના અને માનવતાના ધર્મ સંકુલ સ્વરૂપ પારસધામ-ગિરનારની ઉદઘોષણા કરવામાં આવતાં જય જયકારથી સહુએ વધાવી લીધી સાથે તેના ભૂમિપૂજન માટેના મંગલ કલશ પર કેસર છાંટણા કરીને લાભાર્થી દ્વારા સદભાવના પ્રગટ કરવામાં આવી હતી.
ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ અને સરદારનગર સંઘ-રાજકોટના હરેશભાઈ વોરાએ પરમ ગુરુદેવની અને મુમુક્ષુઓને શુભેચ્છા અર્પણ કરી હતી.
માતુશ્રીમંજુલાબેન શાંતિલાલ અજમેરા પરિવાર તરફથી માતબર રકમ વડીયા ગામની ગોશાળા અર્થે જાહેર આવ્યાં હતાં. ઉપરાંતમાં નવ નવ આત્માના સંસાર ત્યાગ નિમિત્તે પરમ ગુરુદેવની પ્રેરણાથી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન-રાજકોટ તરફથી કબૂતરોના ચણ માટે માતબર અનુદાન અર્પણ કરવામાં આવ્યુ હતું. આ અવસરે અબોલ જીવોને પીડા ન થાય તે માટે પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ન કરતાં પેપર બેગનો ઉપયોગ કરવાની અનેક આત્માઓએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી
નવ આત્માઓને ભગવાનના પંથ માટે યોગ્ય બનાવનારા રાષ્ટ્રસંતને વંદન: રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે લાઈવના માધ્યમે દીક્ષા મહોત્સવની શુભેચ્છા અર્પણ કરતાં કહ્યું હતું કે, છેલ્લાં સાત વર્ષમાં 37 આત્માઓ સાથે આ નવ આત્માઓને ભગવાન બનવાના પંથ માટે યોગ્ય બનાવનારા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પુરુષાર્થને વંદન કરીએ, એમના ત્યાગને વંદન કરીએ. મહંત મુક્તાનંદજી બાપુએ આ અવસરે સુંદર ભાવો સાથે દીક્ષાર્થીઓને શુભેચ્છા અર્પણ કરી હતી. પધારેલાં દરેક સ્વામીઓનું આ અવસરે સાલ અને રજત શ્રીફળ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
સંત સંતીજીઓના નૂતન નામ કરણ
સહુના અંતરની પ્રતિક્ષાનો અંત કરતાં નૂતન દીક્ષિત પૂજ્ય સંત-સતીજીઓના લાભાર્થી પરિવારો દ્વારા નૂતન નામકરણની થઈ. નૂતન દીક્ષિત સંત-સતીજીઓના નૂતન નામ પરમ વિનયમુનિ મહારાજ સા. પરમ નેમિશ્વરાજી મહાસતીજી, પરમ ઋજુમિત્રાજી મહાસતીજી, પરમ સુરમ્યાજી મહાસતીજી, પરમ ઋષિમિત્રાજી મહાસતીજી, પરમ જિનેશ્વરાજી મહાસતીજી, પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પરમ સંવેગીજી મહાસતીજી તેમજ પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજી સ્વરૂપે ઘોષિત કરવામાં આવતાં સર્વત્ર નુતન દીક્ષિતોનો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.