સમાજમાં શિક્ષાપત્રીનો અમલ થાય તો દરેક સમસ્યાનો નિકાલ આપો આપ થઇ જાય
શિક્ષાપત્રી સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક
આવતીકાલે તા.16ને મહાસુદી-5 (વસંતપંચમી)ના શુભ દિવસે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મુકામે સંવત 1882ના મહાસુદી-5 તા.12-2-1826ને રવિવારે લખેલ શિક્ષાપત્રીની 195મી જયંતી છે. શિક્ષાપત્રીમાં કુલ 212 શ્ર્લોક છે. આ શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામીએ ગાગરમાં સાગર સમાવેલ છે.
શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે. જો આજે સમાજમાં શિક્ષાપત્રીનો અમલ થાય તો સમાજની દરેક સમસ્યાનો નિકાલ આપોઆપ થઇ જાય. ઉપનિષદનો અર્ક અને ગીતાનો ગલિતાર્થ એવી આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની શાન વધારે છે.
ખુદ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ‘શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે અને જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષએ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચય પામશે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહી વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બાહેર છે.
સ્વામિનારાયણ ભગવાન હિંસાના જબરજસ્ત વિરોધી હતા. દેવતા-પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક જીવની હિંસા ન કરવાનું કહ્યું છે તો નાના એવા જીવ જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ન કરવાનો સ્પષ્ટ આદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે. વળી સ્ત્રી, ધન અને રાજયની પ્રાપ્તિ અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય પણ ન દેવી. ધર્મ કરવાને અર્થે પણ ચોરનું કર્મ ન કરવું. અને ઘણીને પુછયા વિના કાઢઠ, પુષ્પ આદિક સામાન્ય વસ્તુ પણ ન લેવી. શિક્ષાપત્રીમાં સ્વચ્છતાને માટે આદેશ આપ્યો છે. ર્જીણ દેવાલય, નદી-તળાવના આરા, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા આદિક જગ્યાએ મળમૂત્ર ન કરવું તેમજ થૂંકવું પણ નહીં.
ગૃહસ્થોને માતા-પિતા ગુરુ તથા રોગાતુર એવા કોઇ મનુષ્ય તેમની સેવા જીવનપર્યત પોતાની શક્તિ અનુસાર કરવાની આજ્ઞા કરી છે. તો વ્યવહાર કાર્યમાં પોતાના પુત્રની સાથે, મિત્રાદિક સાથે પણ પુથ્વીને ધનના લેણદેણનો વ્યવહાર સાક્ષીએ સહિત લેખિતમાં કરવાની આજ્ઞા કરી છે. કોઇની ખાનગી (ગુપ્ત)વાત જાણતા હોય તો કોઇ ઠેકાણે પણ પ્રકાશિત કરવી નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તે રીતે સન્માન કરવું. તેમજ સમાજમાં અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, લોકમાં પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, વિદ્ધાન મનુષ્ય, શસ્ત્ર ધારી મનુષ્ય, વડીલ, ગુરુ વગેરેનું અપમાન ન કરવાનો આદેશ છે.
આજે દરેક સ્વામિનારાયણ મંદિરોમાં શિક્ષાપત્રીનું પૂજય પાઠ થશે, તમામ હરિભક્તો પણ પૂજય-પાઠ કરશે. જેમ વસંત ઋતુમાં વનસ્પતિ ખીલે છે તેમ આ શિક્ષાપત્રીના દિવસે સૌના જીવનમાં વસંત ખીલે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના. એક વાર સૌ કોઇએ જીવનમાં શિક્ષાપત્રી વાંચવી જોઇએ.