પપૈયા ભરેલો ટ્રકના ડ્રાઈવરે વણાંક સમયે કાબુ ગુમાવતા સર્જાઈ કરૂણાંતિકા
2 બાળકો અને 6 મહિલાઓનો પણ મૃતકોમાં સમાવેશ: 5 લોકો ગંભીર રીતે ઘાયલ
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં ટ્રક પલ્ટી ખાતા 15 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. જલગાવ જિલ્લાના યાવલ તાલુકાના કિગાવ પાસે આ કરૂણાંતિકા સર્જાઈ હતી.
વધુ વિગતો મુજબ આ ટ્રકમાં સવાર તમામ લોકો મજૂર હતા. ગત રાત્રે ટ્રક એકાએક પલ્ટી મારી જતાં વિસ્તાર ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રકમાં પપૈયા ભરેલા હતા. એકાએક વણાંક વખતે સ્ટેયરીંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હતો. આ રોડ પર અનેક ગાબડાઓ પણ છે જે પણ અકસ્માત પાછળ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોની હાલ અતિ ગંભીર છે. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પપૈયા ભરેલો ટ્રક પલ્ટી ખાયા બાદ શ્રમિકો પપૈયાના નીચે દબાઈ ગયા હતા. જેનાથી પણ મોત નિપજયા છે. દબાયેલા કેટલાક શ્રમિકોને કાઢવા પોલીસને સફળતા મળી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક ગમખ્વાર અકસ્માતની ઘટના બની ચૂકી છે. ગઈકાલ રાત્રે પણ એકાએક વણાંક વાળવા જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલભરમાં જ પલ્ટી મારી ગયો હતો. ટ્રકમાં મોટા પ્રમાણમાં પપૈયા ભરેલા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને બચાવવા માટે આરોગ્ય તંત્ર ઉંધેમાથે થયું છે.
દરમિયાન આ ઘટનામાં મોતનો આંકડો વધી શકે તેવી દહેશત પણ સેવવામાં આવી રહી છે. આ ઘટનામાં 16 મૃતકો પૈકી 2 બાળકો અને છ મહિલાઓના પણ મોત થયા હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં બચી ગયેલા ટ્રક ડ્રાઈવરને પોલીસે અટકમાં લીધો છે. અત્યારે મૃતકોની ઓળખ મેળવવા પણ કામગીરી ચાલુ છે.