બે જિલ્લા પંચાયતની બે બેઠકો: 10 તાલુકાની 17 બેઠકો અને બે નગરપાલિકાની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા
આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના મતદાર પૂર્વે જ કોંગ્રેસને હાર મળી છે. જિલ્લા પંચાયતની બે બેઠક, 10 તાલુકા પંચાયતની 17 બેઠકો અને 2 નગરપાલિકાની 7 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોને મેદાનમાં ન ઉતારતા ભાજપના ઉમેદવારો 26 બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ 72 બેઠકો પૈકી માત્ર 70 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. મતદાન અને પરિણામ પહેલા જ જાણે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ગત શનિવારે ઉમેદવારીફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં અલગ અલગ 26 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપી ન શકતા આ 26 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બિલખા બેઠક પર ભાજપના ઉમેદવાર અનકભાઈ ભોજક, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પર ઉમાબા ઝાલા, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત બેઠક પર નિમિષાબેન પટેલ, ચોર્યાસી બેઠક પર સતીષભાઈ પટેલ, અમદાવાદના દસક્રોઈ તાલુકા પંચાયતની ભુવાલડી બેઠક પર વર્ષાબેન ઠાકોર અને ખોડીયાર બેઠક પર અમરજીત ઠાકોર, ભુજ તાલુકા પંચાયતની સરાળા બેઠક પર અબ્દુલાભાઈ જત, જૂનાગઢ તાલુકા પંચાયતની બિલખા બેઠક પર સંજયભાઈ રાવલ, ઉમરાળા તાલુકા પંચાયતની લંગાળા બેઠક પર ગુણવંતીબેન મિસ્ત્રી, રંગોળા બેઠક પર સુરેશભાઈ કુવાડીયા, લીંબડી તાલુકા પંચાયતની અંકેવાડીયા બેઠક પર હંસાબેન કાગડીયા, વઢવાણ તાલુકા પંચાયતની નાના કેરાળા બેઠક પર અવનીબેન સોલંકી, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ બેઠક પર શિલ્પાબેન પટેલ, વાવડી બેઠક પર ગોપાલભાઈ ઠાકોર, થાનગઢ તાલુકા પંચાયતની જામવાડી ખાખરાથડ, નળખંભા, સોનગઢ અને મોરથળા બેઠક પર અનુક્રમે મંજૂબેન અલગોતર, રત્નાબેન સારદીયા, હમીરભાઈ સારલત, બેનુબેન જલુ અને દમયંતીબેન મકવાણા બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ભુજન નગરપાલિકાના વોર્ડ નં.9ની બેઠક પર દિપ્તીબેન રૂપારેલ અને રેશ્માબેન જવેરી, ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડનં.6ની બેઠક પર દક્ષાબેન મકવાણા, વોર્ડ નં.8ની ચાર બેઠકો પર પૂજાબેન મકવાણા, વૈશાલીબેન મકવાણા, અજીતસિંહ ઝાલા અને સુરેશભાઈ જાદવ બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા અલગ અલગ જિલ્લા માટે પ્રદેશ અગ્રણીઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપી દેવામાં આવી છે.