1 લાખ લોકોની ક્ષમતા પણ કોરોના કારણે મેચમાં 50 હજાર લોકોને જ એન્ટ્રી આપશે: ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા
અમદાવાદના મોટેરામાં નિર્માણ પામેલ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪મી ફેબ્રુઆરીથી પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવા જઈ રહી છે. આ પૂર્વે સ્ટેડિયમનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ ૨૩મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતાઓ છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ૧ લાખ લોકોના બેસવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ કોરોનાને કારણે ૫૦ ટકા એટલે કે ૫૦ હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.
ટીમ ઇન્ડિયા અમદાવાદમાં એક મહીનાનું રોકાણ કરશે
ઇઈઈઈંએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે ૧૭ ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ ૨ ટેસ્ટ અને ૫ ઝ-૨૦ માટે અમદાવાદ આવશે. ઝ-૨૦ સિરીઝની અંતિમ મેચ ૨૦ માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ ૧૮ ફેબ્રુઆરીથી ૨૦/૨૧ માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે. ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા ૯૨ હજાર છે અને મોટેરાએ ૧૮ હજારના માર્જિનથી એને હરાવ્યું છે.
પાર્કિંગમાં ૩ હજાર કાર, ૧૦ હજાર બાઇકની ક્ષમતા: કલબ હાઉસમાં ૫૫ રૂમ અને સ્વિમિંગ પુલની સુવિધા
મોટેરા સ્ટેડિયમમાં ૩૦૦૦ કાર અને ૧૦,૦૦૦ મોટર સાઇકલ પાર્ક કરી શકાશે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં ૫૫ રુમ, એક સ્વિમિંગ પૂલ અને ૭૬ કોર્પોરેટ બોક્સ પણ હશે. આ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવી રહ્યો છે.
૬૩ એકરમાં નિર્માણ પામેલા સ્ટેડિયમ પ્રોજેકટનો ખર્ચ રૂ. ૭૦૦ કરોડ
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું ડ્રીમ પ્રોજેક્ટ છે. જે દેશ માટે ગર્વનું પ્રતીક બન્યું છે. ૬૩ એકર ક્ષેત્રમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો બેસીને મેચનો આનંદ ઉઠાવી શકશે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ ૭૦૦ કરોડ રુપિયા છે. આ સ્ટેડિયમ બનાવવાનું કામ એલએન્ડટી કંપનીને આપવામાં આવ્યું છે. મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઇન્ડોર એકેડમી પણ બનશે. આ સ્ટેડિયમની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ પોપુલસે કરી છે. જેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ડિઝાઈન કર્યું છે.