જામનગર, જૂનાગઢ અને મોરબી રૂટ સહિતની ૩૯ ટ્રીપો ઉપડશે
રાજકોટનું શાસ્ત્રીમેદાન સ્થિત કલેકટરના આદેશ બાદ હવે ખાલી કરાવ્યા બાદ ઢેબર રોડ ખાતે આવેલ મુખ્ય બસ પોર્ટ પર ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાતા હવે સોમવારથી તાત્કાલીક માધાપર ચોકડીએથી જામનગર, જૂનાગઢ અને મોરબી રૂટ સહિતની ૩૯ ટ્રીપો ઉપડશે. જો કે હજુ માધાપર ચોકડી ખાતે બસ સ્ટેન્ડ બનવાનું ચાલુ છે. સંપૂર્ણ કામ પૂર્ણ નથી થયું છતાં ઢેબર રોડ બસ પોર્ટ પર ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટે સોમવારથી જ બસનું સંચાલન માધાપર ચોકડીએથી પણ શરૂ કરવા એસ.ટી. વિભાગ જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બસ પોર્ટમાં ઓછી જગ્યાના લીધે એસ.ટી.બસોને ઉભુ રહેવા માટે સમય રહેતો નથી. માંડ-માંડ ૧૦ મીનીટ એસટી બસો ઉભી રહે છે અને ત્યારબાદ જે તે જગ્યાએ જવા રવાના થઈ જાય છે. જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને હાલાકીને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડી નજીક નવા બસ સ્ટેન્ડની જાહેરાત કરી હતી. જો કે હજુ આ જગ્યા પર બસ સ્ટેન્ડનું કામ ચાલુ છે. છતાં નવા બસ પોર્ટમાં ટ્રાફિકના કારણે લોકલ બસ માધાપર ચોકડીએ શિફટ કરવામાં આવશે. રાજકોટના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, જામનગર અને જૂનાગઢના વિભાગીય નિયામકને પત્ર મારફત જાણ કરી છે અને હવે રાજકોટથી ધ્રોલ તરફ જતી ૫ અને જામનગર જતી ૧૯ બસ માધાપર ચોકડીથી પ્રસ્થાન કરશે. આ ઉપરાંત મોરબી જતી બે લોકલ બસ પણ માધાપરેથી જ ઉપડશે. સાથે જ જેતપુર જતી ૭, જૂનાગઢ જતી ૪ અને ધોરાજી તથા ઉપલેટા જતી ૧-૧ એસટી માધાપર ચોકડીથી પ્રસ્થાન કરશે. જેથી નવા બસ પોર્ટમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય.