પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે પ્રભારીઓના ફોન ઉપાડવાનો સમય નથી, સિનિયરોની થતી સતત અવગણનાથી કંટાળી કોંગ્રેસનો સાથ છોડયો: ચોવટીયા
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને આડે હવે આંગળીના વેઠે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો.દિનેશભાઈ ચોવટીયાએ આજે કોંગ્રેસનાં તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષમાં સિનિયરોની થતી સતત અવગણના અને નગરપાલિકાઓમાં ટિકિટની ફાળવણી પ્રશ્ર્ને અસંતોષ સહિતના મુદાથી કંટાળી દિનેશભાઈએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને આપવામાં આવેલા રાજીનામા પત્રમાં ડો.દિનેશભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી હું કોંગ્રેસ સાથે જોડાયેલો છે. પક્ષ દ્વારા મને જયારે જે જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ જવાબદારીઓ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે પરંતુ મને એ વાતનું દુ:ખ છે કે આટલી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવ્યા બાદ પણ મને જે-તે હોદા પરથી દૂર કરવામાં આવ્યો છે. ચમચાગીરી અને પૈસાનું રાજકારણ ખેલતા લોકોને કોંગ્રેસે હોદા પર બેસાડયા છે. મહાપાલિકા અને નગરપાલિકાની ચુંટણીમાં પક્ષના સિનિયર આગેવાનોને પક્ષમાં કોઈ મહત્વ આપવામાં આવતું નથી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચમચાગીરી દ્વારા હોદા પર બની બેઠેલા લોકોએ ત્રણ લાખથી લઈ પાંચ લાખ સુધી એજન્ટ મારફતે ટીકીટોનું વેચાણ કર્યું હોવાની રજુઆતો મારા સમક્ષ આવી છે. આજે દેશની સૌથી જુની રાજકિય પાર્ટી છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં પ્રજા વિમુખ હોવાના કારણે સત્તા પર આવી નથી. માત્રને માત્ર ચમચાગીરી કરતા અને પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ સાથે જોડાયેલા હોદેદારોના કારણે પક્ષનું નિકંદન નિકળી રહ્યું છે. પ્રદેશ કક્ષાએથી લઈ શહેર કક્ષા સુધી માત્ર વાદ, વિવાદ, મારુ-તારું, સંગઠનના હોદા અને ટિકિટ માત્ર પૈસાથી જ ફાળવવામાં આવે છે જે ગંભીર બાબત છે. આ વાત ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં મારા જેવા અનેક કાર્યકરો અને આગેવાનો દ્વારા પ્રદેશ કક્ષાએ આ અંગે અનેકવાર ગંભીર રજુઆત કરવામાં આવી છે છતાં પ્રદેશ કક્ષાએથી આજ સુધી કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષમાં અમુક સમાજ આધારીત રાજનીતિ થઈ રહી છે અને અમુક સમાજના લોકોનો માત્રને માત્ર મત પુરતો જ ઉપયોગ કરવામાં આવે છે. પાયાના કાર્યકરોને પક્ષમાં કોઈ મહત્વ આપવામાં આવતુ નથી અને સિનિયર કાળા દાવા કરી તેનેે નાસીપાસ કરે છે. આ તમામ બાબતો હું છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું છતાં પક્ષ પ્રત્યે હંમેશા વફાદાર રહ્યો છે અને મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હંમેશા ખંતથી નિભાવી છે પરંતુ હવે કોંગ્રેસમાં પ્રદેશથી લઈ સ્થાનિક કક્ષા સુધી વિવાદ ચાલી રહ્યો છે તે ખુબ જ અસહ્ય બની ગયો હોય હું કોંગ્રેસના સામાન્ય સભ્યપદ તથા તમામ હોદાઓ પરથી રાજીનામું આપી રહ્યો છે. અબતક સાથેની વાતચીત દરમિયાન દિનેશભાઈ ચોવટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મને મોરબી નગરપાલિકા માટે પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ટિકિટ વહેંચણીમાં પણ પ્રભારીઓને વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા નથી. આટલું જ નહીં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે પ્રભારીઓના ફોન ઉપાડવાનો સમય નથી. કોંગ્રેસમાં સિનિયર આગેવાનોની થતી સતત અવગણના અને ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષના કારણે હવે કોંગ્રેસનો સાથ છોડયો છે. હાલ ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવવાની મારી ગણતરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.દિનેશ ચોવટીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી ચુકયા છે. આ ઉપરાંત તેઓ પ્રદેશમાં મંત્રી તરીકે કાર્યરત છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં તેઓ રાજકોટ દક્ષિણની બેઠક પરથી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.