ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં બારોબાર મેન્ડેટ અપાયા અનેક દાવેદારોએ ટિકિટ કપાતા ત્રીજા પક્ષ કે અપક્ષમાં ઝંપલાવ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજા તબક્કામાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ફોર્મ ભરવાના સ્થળોએ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની પડાપડી થઈ હતી.
રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની કુલ ૮૪૩૩ બેઠકોની આગામી તા. ૨૮મીએ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જેના માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોને આવરી લેતી ૩૪૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ કર્યો હતો. તેવામાં હવે માત્ર ૨૪ કલાક કરતા પણ ઓછો સમય રહેતા બંને પક્ષોમાંથી બારોબાર મેન્ડેટનું જોર વધ્યુ છે. છેલ્લા દિવસ સુધી ટિકિટ નક્કી ન થતા, ખાનગીમાં ફોર્મ ભરવાની સુચના પણ ન મળતા અનેક ટિકિટવાંચ્છુઓ અપક્ષમાં જ ઉમેદવારી કરી આવ્યા છે.
બીજી તરફ આંતરિક ખેંચમતાણ વચ્ચે અનેક ગામો- શહેરોમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો, સમર્થન જાહેર કરવાનો ઘટનાક્રમ પણ વધી રહ્યો છે. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે ચકાસણી અને મંગળવારે ઉમેદવારી પરત ખેંચાયા પછી કઈ સંસ્થામાં કેટલા ઉમેદવારો સ્પર્ધામાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અનેક સેન્ટરોમાં બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારોને પણ ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ આજે અંતિમ દિવસે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી ૧૫મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે. તો ૧૬મી ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવા માટે અંતિમ દિવસ હશે. ત્યારબાદ પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તમામ બેઠક પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. ચિત્ર સ્પષ્ટ થયા બાદ ૧૭મી ફેબ્રુઆરીથી ગામડા અને નગરોમાં ચૂંટણી પ્રચાર ધમધમશે.બાદમાં ૨૮મી ફેબ્રુઆરીના રોજ સવારે ૭થી ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જો પુન:મતદાનની જરૂર પડે તો તે ૧ માર્ચના રોજ યોજાશે. બાદમાં તા.૨ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અને ત્યારબાદ ૫ માર્ચના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ થતા ઉમેદવારો અકળાયા
ઉમેદવારોની યાદી જાહેર કરવામાં બન્ને પક્ષો દ્વારા વિલંબ કરવામાં આવતા ઉમેદવારો અકળાય ઉઠ્યા હતા. અનેક જિલ્લાઓમાં ઉમેદવારોની ધીરજ ખૂટતા તેઓએ અપક્ષ ઉમેદવારી જ નોંધાવી દીધી હતી. બીજી તરફ અનેક નારાજ થયેલા ઉમેદવારોએ પણ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેથી રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
કોંગ્રેસે તાલુકા પંચાયતોના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું જ ટાળ્યું!!
કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોડે મોડે જિલ્લા પંચાયતોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા જ નથી. મળતી માહિતી અનુસાર કોંગ્રેસે તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર ન કરવાનું અગાઉથી જ નક્કી કર્યું હતું. સીધા મેન્ડેટ જ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપે પણ અમુક તાલુકા પંચાયતના ઉમેદવારના નામ જાહેર ન કરી ડાયરેકટ મેન્ડેટ જ આપી દીધા છે.