આંદોલનકારીઓની દશા અને દિશા બદલાઈ !!
નવા સુધારેલા કૃષિ કાયદાના અમલથી ખેતી અને ખેડૂતને ભવિષ્યના લાભા-લાભ સમજાવવામાં સુપ્રીમની પેનલ સફળ
દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું કદ આપવા માટે આર્થિક સુધારાના પ્રયાસોમાં કૃષિ ક્ષેત્રની કાયાપલટ અને ખેતી તેમજ ખેડૂતોને સધ્ધર બનાવવા માટે જરૂરી કૃષિ સુધારા બીલ મુદ્દે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠ હવે ઉકેલાઈ જવાની દિશામાં અને આંદોલનકારીઓની દશા અને દિશા બદલાઈ હોય તેવી પરિસ્થિતિ વચ્ચે કૃષિ સુધારા બીલ પર ૧૨ ખેડૂત સંગઠનોની મંજૂરીની મહોર લાગી જવા પામી છે. સુપ્રીમની રચાયેલી સમીતીએ પરોક્ષ રીતે કૃષિ કાયદાનો અમલ અને જરૂરીયાતને સ્વીકૃતિનો અભિપ્રાય આપતા આંદોલનની દશા અને દિશા બદલાઈ ગઈ છે અને સુપ્રીમની કમીટીએ બાર ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કરીને કૃષિ કાયદાના અમલ રોકવાનો છેદ ઉડાવીને નવા રંગરૂપ સાથે કૃષિ કાયદાના અમલની તૈયારી શરૂ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી સમીતી આજે ૧૨ ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કરીને પં.બંગાળ સહિતના ૮ રાજ્યોના ખેડૂતો સાથે પરામર્શ કરીને કૃષિ કાયદાને રદ કરવાના બદલે તેમાં જરૂરી સુધારા સાથે અમલ માટે તખ્તો તૈયાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમીતીએ અગાઉ ૭ જેટલી બેઠકોનો આંદોલનકારીઓ સાથે મસલતોનો દૌર ચલાવ્યો હતો. ૩ સભ્યોની સમીતી સતતપણે ખેડૂત સંગઠનો સાથે સંપર્કમાં રહી આ મડાગાંઠને ઉકેલવા માટે પ્રયત્નશીલ રહી હતી. સમીતીની એક યાદીમાં જણાવાયું હતું કે, ખેડૂત સંગઠનો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે રૂબરૂ અને વિડીયો કોન્ફરન્સથી કૃષિ કાયદાના સુધારા સાથેના અમલ માટે ચર્ચાઓ ચાલી રહી છે. ખેડૂત સંગઠનોએ સુધારા સાથેના બીલની અમલવારી અંગે પરોક્ષ રીતે સહમતી દર્શાવી દીધી છે.
આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરપ્રદેશ, પં.બંગાળ સહિતના રાજ્યોના કુલ ૧૨ ખેડૂત સંગઠનોએ સમીતી સાથે પરામર્શમાં જોડાયા હતા. તમામ સંગઠનોને ખેડૂત ઉત્પાદક મંડળ અને કૃષિ કાયદાના ફાયદાઓની જાણકારી આપી હતી. ૧૨મી જાન્યુઆરીએ એપેક્ષ કોર્ટમાં નવા કૃષિ કાયદાના અમલ પર બે મહિનાનો રૂકજાવનો આદેશ આપ્યો હતો અને સમીતીને ૨ મહિનામાં અહેવાલ આપવાનું જણાવ્યું હતું તેની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે આ કાયદાના અમલથી ખેડૂતોને ફાયદો થાય તેવા સમીતીના તારણથી કૃષિ કાયદાના નવા સુધારાના અમલ માટે સંજોગો ઉજળા બન્યા છે.
પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના હજ્જારો ખેડૂતો દિલ્હીની સરહદ પર બે મહિનાથી નવા કૃષિ કાયદાને પાછો ખેંચી લેવા માટે આંદોલન કરી રહ્યાં છે અને આ કાયદાઓ માર્કેટીંગ યાર્ડ પ્રધાને નબળી પાડશે તેવા સંદેહ સાથે જે આંદોલન કરી રહ્યાં છે તેની હવે સુપ્રીમ કોર્ટની સમીતીના પ્રયાસથી દિશા અને દશા બદલાઈ જશે.
આંદોલનકારીઓ સાથે કેન્દ્ર સરકારે અત્યાર સુધી ૧૧ તબક્કામાં બેઠકોનો દૌર ચલાવ્યો હતો. ૪૧ જેટલા સંગઠનોએ પોતાની કૃષિ કાયદો પાછો ખેંચી લેવાની હઠ જાળવી રાખતા આ મડાગાંઠ અણઉકેલ રહી હતી. દરમિયાન ૧૮ મહિના સુધી કાયદાના અમલને રોકવાની માંગણી પણ સરકારે ફગાવી દીધી હતી.
આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે રહેલી મડાગાંઠ ઉકેલવા સુપ્રીમ કોર્ટે નિષ્ણાંતોની સમીતીની રચના કરી કૃષિ કાયદા અંગેનો નિર્ણય સમીતી પર છોડી દીધો હતો. આ સમીતીએ ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કરી તૈયાર કરેલો રિપોર્ટ રજૂ થવાનો સમય આવી ગયો છે. આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેનો આ મામલો હવે સંપૂર્ણપણે સમીતીના રિપોર્ટ પર આધારીત બની ગયો છે ત્યારે સમીતીમાંથી મોટાભાગના કૃષિ તજજ્ઞો કૃષિ બીલની હિમાયત કરી રહ્યાં છે. કૃષિ બીલના અમલથી ખેડૂત અને ખેતી બન્નેને ફાયદો થશે. સરકાર દ્વારા ખેડૂત સંગઠનોની કૃષિ બિલ પાછુ ખેંચી લેવાની માંગણીના બદલે બીલમાં સુધારો કરવાની હિમાયત કરી હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટની સમીતીનો અંતિમ રિપોર્ટ રજૂ થવાનો છે ત્યારે કૃષિ બીલના નવા સુધારા સાથેના અમલનો તખ્તો ગોઠવાઈ ગયો છે.
કૃષિ બીલ પાછા ખેંચવાની માંગ સામે સરકારે આ નવા કૃષિ કાયદામાં જરૂરી સુધારાની જોગવાઈનો રસ્તો ખુલ્લો રાખ્યો હતા. સુપ્રીમ કોર્ટની સમીતી દ્વારા ખેડૂત અને દેશના હિતમાં આ નવા સુધારાના કાયદા અનિવાર્ય હોવાનું વલણ અપનાવ્યું છે ત્યારે આંદોલનકારીઓમાં પણ કૃષિ બીલના સુધારા મુદ્દે મતમતાંતર ઉભુ થયું છે અને મોટાભાગના ખેડૂત સંગઠનો ખેડૂત ઉત્પાદન સંઘની રચના અને કૃષિ બીલની જોગવાઈથી ખેડૂતોને ભવિષ્યના ફાયદાને સમર્થન આપતા થઈ ગયા છે. આ બીલ સામે ચાલી રહેલું આંદોલન અને આંદોલનકારીઓની દશા અને દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટની સમીતીની હિમાયતથી નવા કૃષિ કાયદાના સુધારા માટે તખતો ગોઠવાઈ ગયો છે.
અંતે ઘીના ઠામમાં ઘી પડે તેવી પરિસ્થિતિ વચ્ચે આંદોલનકારીઓના અનેક પ્રયાસો છતાં છેવટે નવા ત્રણ કૃષિ કાયદાઓના અમલની મોકુફીની હઠ સામે સુપ્રીમ કોર્ટની સમીતીએ કરેલા સમાધાનકારી પ્રયાસો અને તૈયાર કરેલા અહેવાલોને લઈને કૃષિ કાયદાઓ પરત નહીં ખેંચાય અને નવા સુધારા સાથેના કાયદાની અમલવારી થાય તેવો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.
* સુપ્રીમ કોર્ટની કમીટીનું દૂધનું દૂધ: ખેડૂતોને નવા કૃષિ કાયદાથી ફાયદો હોવાનો મત
* ત્રણ કૃષિ કાયદા સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની આંદોલનકારીઓની માંગના બદલે નાના-મોટા સુધારા સાથે કૃષિ કાયદાનો અમલ થશે ?
* કૃષિ કાયદાની જોગવાઈઓના અમલ અને કૃષિ ઉત્પાદક સંગઠનોની રચનાથી ખેડૂતોને વેપારી બનાવવાના સરકારના પ્રયોજનો કૃષિ ક્ષેત્રની સિકલ બદલી દેશે
* સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમીતીના મોટાભાગના સભ્યો કૃષિ બિલના હિમાયતી, લાંબાગાળે કૃષિ સુધારા બીલ ખેતી અને ખેડૂતને લાભકારક હોવાનો મત
* સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમીતીનો અહેવાલ રજૂ થવાની તૈયારી પૂર્વે જ આંદોલનકારીઓની દિશા અને દશા બદલાઈ
* ખેડૂત સંગઠનોને એફપીઓ ફાર્મર પ્રોડકશન ઓર્ગેનાઈઝેશનની રચના અને લાભાલાભની જાણકારી આપવામાં સુપ્રીમ કોર્ટની પેનલ સફળ
* બાર ખેડૂત સંગઠનોની નવા કૃષિ કાયદાને મંજૂરીની મહોર
* કૃષિ આંદોલનને અવળે પાટે ચડાવવાના પ્રયાસો કરનાર તત્વોની કારી ન ફાવી, અંતે આંદોલનકારીઓની દેશ ભાવના જાગી
* નવા કૃષિ કાયદા કોઈપણ સંજોગોમાં પાછા ખેંચવાની આંદોલનકારીઓની હઠ સામે સરકારની અડગતા બરકરાર
* નવા કૃષિ કાયદા પાછા ખેંચવામાં સરકારને ડોશી મરી જાય તેનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય તેવી સ્થિતિનો સુપ્રીમની કમીટીએ રસ્તો આસાન કર્યો