કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે જ કોંગ્રેસમાંથી વર્ષો પહેલા ભાજપમાં આવેલા એક આગેવાને ખુરશી ઉલાળ્યાની ચર્ચા, દાવેદાર હોવા છતાં કપાયેલાઓમાં છુપી નારાજગી
મહાપાલિકાની ચૂંટણીના મતદાનના આડે હવે ૯ દિવસ બાકી રહ્યાં છે. છતાં અમુક વોર્ડમાં ભાજપના કાર્યકરોની નારાજગી સમવાનું નામ લેતી નથી. શહેરના સૌથી પોશ ગણાતા એવા વોર્ડ નં.૧૦માં ભાજપના અમુક કહેવાતા આગેવાનોએ ખુલ્લેઆમ દાદાગીરી શરૂ કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ ૨૦૦૯માં જે રીતે ભાજપે રાતો રાત કિરણ પટેલને લોકસભાની ટિકિટ ફાળવી દીધી હતી અને કાર્યકરોની નારાજગીએ પક્ષને પરાજય અપાવ્યો હતો. તેવી સ્થિતિ હાલ વોર્ડ નં.૧૦માં સર્જાય હોવાની ભીતિ અંદરખાને પક્ષને સતાવી રહી છે. બે દિવસ પૂર્વે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે જ કોંગ્રેસમાંથી વર્ષો પહેલા ભાજપનો ખેસ ધારણ કરનાર એક દાવેદારે ખુરશીઓ ઉલાળ્યાની ચર્ચા પણ ચાલી રહી છે. વોર્ડ નં.૧૦માં આ વખતે ભાજપે એકમાત્ર જ્યોત્સનાબેન ટીલાળાને રીપીટ કર્યા છે જ્યારે બે ઉમેદવારોની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે. આ વોર્ડમાં આમ પણ ગત વર્ષે ક્રોષ વોટીંગના કારણે ભાજપે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ગત વખતે ભાજપે આ વોર્ડ માટે પરેશ હુંબલના નામની જાહેરાત કરી હતી. પાછળથી વોર્ડમાં ભડકો થયો હતો કે, સામાન્ય બેઠક માટે ઓબીસી ઉમેદવારને શા માટે ટિકિટ આપવામાં આવે છે જેના કારણે પક્ષે છેલ્લી ઘડીએ હસુભાઈ ભગદેવને ટિકિટ આપી હતી. અંતે ભાજપ વોર્ડની ચાર પૈકી ત્રણ બેઠક પર વિજેતા બન્યું હતું અને છેલ્લી ઘડીએ જેને ટિકિટ આપવામાં આવી હતી તે હસુભાઈ ભગદેવનો પરાજય થયો હતો. પાંચ વર્ષ પૂર્વે બનેલી આ ઘટના ફરી જાણે રીપીટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડને ગત ટર્મમાં મેયર પદ આપવામાં આવ્યું હોવા છતાં કાર્યકરોમાં અંદર ખાને નારાજગી જોવા મળી રહી છે. સંગઠનના અમુક હોદ્દેદારો પોતાની જાતને સર્વેસર્વા સમજી રહ્યાં છે જેના કારણે કાર્યકરોમાં નારાજગી વ્યાપી રહી છે. કડવી દાદાગીરીથી શહેર ભાજપને પણ વોર્ડ નં.૧૦માં કિરણ પટેલવાળી થવાની દહેશત અંદરખાને સતાવી રહી છે. કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે જ વોર્ડમાં ડખ્ખો થયો હતો. એક આગેવાને ખુરશીઓ ઉલાળીને ફેંકી દીધી હતી. ભલે એવું કહેવામાં આવતું હોય કે, તમામ કાર્યકરો હવે એક જુટ થઈને પ્રચાર કરી રહ્યાં છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જે લોકો પ્રબળ દાવેદાર હોવા છતાં કપાયા છે તેઓમાં હજુ રોષ ભભૂકી રહ્યો છે અને તેઓ છાનાખુણે કોંગ્રેસના ઉમેદવારોને પણ મદદ કરી રહ્યાં હોવાની વોર્ડમાં વાતો થઈ રહી છે.