૨૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન ‘ઇન્ડિયા ટોય ફેર-૨૦૨૧’નું વર્ચ્યુઅલ આયોજન
પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાંના વિનિર્માણને વેગ આપવા માટે સહકારપૂર્ણ પ્રયાસો હાથ ધરવા માટે કરેલાં આહ્વાનને ધ્યાનમાં રાખીને અને આત્મનિર્ભર ભારત તેમજ વોકલ ફોર લોકલ અભિયાનની થીમને અનુરૂપ વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો વધારવાના ઉદ્દેશ સાથે આગામી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧થી ૨ માર્ચ ૨૦૨૧ દરમિયાન ભારતમાં સૌપ્રથમ ઇન્ડિયા ટોય ફેર-૨૦૨૧નું વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી આયોજન કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય શિક્ષણમંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઝુબિન ઇરાની અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે સંયુક્ત રીતે ઇન્ડિયા ટોય ફેર-૨૦૨૧ની વેબસાઇટ www. theindia toyfair. In નો શુભારંભ કર્યો હતો.ઇન્ડિયા ટોય ફેર ૨૦૨૧ માટેની વેબસાઇટથી બાળકો, માતા-પિતા, શિક્ષકો, પ્રદર્શકો વગેરે આ વર્ચ્યુઅલ મેળામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી શકશે અને ભારતીય રમકડાંના ઇકોસ્ફિયર (સૃષ્ટિમંડળ)ના વિવિધ પાસાંઓ બતાવી શકશે. આ સૌપ્રથમ ડિજિટલ માધ્યમથી ઍક્સેસ કરી શકાય તેવું પ્રદર્શન અને પ્લેટફોર્મ છે જે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૦૦૦ કરતાં વધારે પ્રદર્શકો દ્વારા રજૂ કરવામાં આવનારા વિવિધ પ્રકારના રમકડાં પ્રદર્શિત કરવાની તેમજ ખરીદવાની તકો પૂરી પાડવાની સાથે સાથે આ ઉદ્યોગની આંતરિક બાબતોની સમજ આપતા વિવિધ વેબિનાર, પેનલ ચર્ચાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તેમજ રમકડાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો સાથે નેટવર્ક સ્થાપિત કરવાની પણ તક પૂરી પાડશે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, ભારતીય રમકડાં ખુશહાલ બાળપણના બ્લોક્સનું નિર્માણ કરી રહ્યું છે. તે માત્ર મનોરંજનનો સ્રોત નથી પરંતુ અભ્યાસ અને વિકાસના સાધનો પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ટોય ફેર ૨૦૨૧ પોતાની રીતે પ્રથમ એવી પહેલ છે જે આ ઉદ્યોગોના અલગ અલગ હિતધારકો જેમાં ખાસ કરીને બાળકો, માતાપિતા અને શિક્ષકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સાથે લાવવા માટે હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર, તમામ વિભાગો એકબીજા સાથે સંકલનમાં અને પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યાં હોવાનું અન્ય એક ઉદાહરણ ઇન્ડિયા ટોય ફેર છે. તેમણે કહ્યું હતું કે, તે એવું પણ દર્શાવે છે કે, સરકાર ખૂબ જ નાની દેખાતી બાબતને પણ પૂરતું મહત્વ આપે છે અને ખૂબ જ મોટી દૂરંદેશી ધરાવે છે. ઉમેર્યું હતું કે, આ પહેલથી ચોક્કસપણે ભારતીયોને ગુણવત્તાપૂર્ણ રમકડાં મળી રહેશે.
આપણે માત્ર રમકડાંની સ્થાનિક માંગને પૂરી કરવા પૂરતાં જ પ્રયાસો ના કરવા જોઇએ પરંતુ આપણે દુનિયામાં ભારતીય બનાવટના ગુણવત્તાપૂર્ણ રમકડાંની એક ઓળખ ઉભી કરવી જોઇએ. રમકડાંના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, તેનાથી બાળકોના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિમાં મદદ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને આ ઉદ્યોગમાં પરિવર્તનકારી ફેરફાર લાવવા માટે બતાવેલી દૂરંદેશીના પગલે રમકડાં વિનિર્માણને મોટો વેગ આપવાના ઉદ્દેશ સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ઇરાનીએ વધુમાં, તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમકડાંના નિકાસકારો વગેરેને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અને તેને ભવ્ય સફળતા અપાવવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.