મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટેનું ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ
રાજ્યની ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસમાં હજુ નામો નક્કી કરવા મથામણ ચાલી રહી છે.
રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ચૂંટણીની તારીખોનું એલાન રાજ્યની ચૂંટણી પંચ દ્વારા ગત ૨૩મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. દરમિયાન ૮મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂકયો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય છેલ્લા બે દિવસ સારો એવો ધસારો રહેશે. ભાજપે જે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે તેઓ આજે ફોર્મ ભરી દીધા હતા.
જ્યારે જે બેઠકો માટે હજુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી તે સાંજ સુધીમાં જાહેર થતાંની સાથે જ કાલે ફોર્મ ભરશે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકો અને ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકો માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સવારે ૭ થી લઈ સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. આવતીકાલે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. દરમિયાન સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. મંગળવારે સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.