મતદાન વેળાએ વેબકાસ્ટિંગ નહિ થાય, તંત્રની અગ્નિ પરીક્ષા લેવાશે : સંવેદનશીલ મતદાન મથકોમાં વધુ ફોર્સ મુકવાનો તખ્તો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં ૬૭ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર થયા છે. જ્યારે ૪૬૫ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે. જો કે હજુ પણ આ મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શકયતા સેવાઇ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે. ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકની ઓળખ કરવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકામાં ૫૯, લોધિકા તાલુકામાં ૨૨, પડધરી તાલુકામાં ૨૭, કોટડા સાંગાણી તાલુકામાં ૨૩, ગોંડલ શહેરમાં ૩૨, ગોંડલ તાલુકામાં ૧૫ , જેતપુર તાલુકામાં ૬૯, જસદણ તાલુકામાં ૫૮, ધોરાજી તાલુકામાં ૩૪, ઉપલેટા તાલુકામાં ૩૭, વીંછીયા તાલુકામાં ૫૯ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે. જ્યારે અતિ સંવેદનશીલ મતદાન મથકમાં કોટડા સાંગાણી તાલુકાના ૩૨, જસદણ તાલુકાના ૬, વીંછીયાના ૨૯ મતદાન મથક જાહેર થયા છે. આમ કુલ ૪૬૫ મતદાન મથક સંવેદનશીલ અને ૬૭ મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર થયા છે.
વધુમાં આ ચૂંટણીમાં એક પણ મતદાન મથકેથી વેબ કસ્ટિંગ કરવાનું ન હોય સંવેદનશીલ મતદાન મથકે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તેની તકેદારી રાખવી તંત્ર માટે અગ્નિપરીક્ષા સાબિત થવાની છે. હાલના તબક્કે આવા મતદાન મથકો ઉપર વધુ ફોર્સ કામે લગાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.