આપ પ્રથમ વખત મેદાનમાં આવતા તેણે કંઈ ગુમાવવાનું નથી પણ ચિત્ર પલ્ટાવશે

જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પણ મેદાનમાં છે. આ વખતના જંગમાં ‘આપ’ ભાજપ કે કોંગ્રેસ કોની બાજી બગાડશે તે અંગે રાજકીય પંડિતો અનુમાન કરી રહ્યાં છે.

જામ્યુકો ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું હોય આવનારી તા.૨૧ના દિવસે ૨૩૬ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર છે એવું નથી આ વખતની મજેદાર ચૂંટણી જંગલ ચોપાંખીયો થવાની સંભાવનાઓ પોલિટીકલ પંડિતો વ્યકત કરી રહ્યાં છે. કારણ કે, બન્ને રાષ્ટ્રીય પક્ષને આપ અને સપાના પડકારનો સામનો કરવો પડે છે અને તેમાં એનસીપીનો ઉમેરો થતાં આ વખતની ચૂંટણી ખૂબ જ મજેદાર થવાના એંધાણો વર્તાઈ રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, ૧૨ ઉમેદવારોએ પોત પોતાના ફોર્મ પરત ખેંચી લીધાં હતાં જેમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો સમાવેશ થાય છે. જો કે, આ વખતે આપ પહેલી જ વખત મેદાનમાં ઊતર્યું હોય તેને કશુ ગૂમાવવાનું નથી, પરંતુ ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડવામાં આપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમાં બે મત નથી.

મહાનગરપાલિકાના કુલ ૧૬ વોર્ડના ૬૪ કોર્પોરેટરોની ચૂંટણી માટે તા. ૨૧મીના રોજ ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના ૬૪, કોંગ્રેસના ૬૨, બસપાના ૨૨, એનસીપીના ૧૧, સપાના ૨, અને ૨૭ અપક્ષો સહીત કુલ ૨૩૬ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

તમામ પક્ષો પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરી ચૂક્યા છે. જો કે દર વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ રહ્યો છે પણ આ વખતે અન્ય પક્ષો બંને મજબુત પક્ષના ગણિત બગડી શકે  છે એમ રાજકીય પંડિતો અત્યાર સુધીના સમીકરણોને આધારે કહી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ પર અન્ય પક્ષો કેટલા બળુકા સાબિત થાય છે એ તો ૨૩ મી તરીકે નક્કી થશે. પણ હાલ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી પ્રચારનો પ્રારંભ કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી બાદ ૨૪૮ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ ગઇકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આપના ૮, એનસીપી અને બસપાના ૧-૧ અને ૨ અપક્ષો મળીને કુલ ૧૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે જામ્યુકોની ચુંટણીના જંગમાં ૨૩૬ ઉમેદવારો મેદાનમાં રહ્યાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.જામનગરમાં મ્યુ.કોર્પોની ચુંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની મુદતના દિવસે સવારથી સાંજ સુધીમાં વોર્ડ.નં.૧ના એનસીપીના મહિલા ઉમેદવાર, વોર્ડ.નં.૭ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હિનાબેન અઘેડા અને વોર્ડ.નં.૮ના કુંદનબેન આમરણીયા, વોર્ડ.નં.૧૦ના સાહિનાબેન પઠાણ, વોર્ડ.નં.૧૨ની આમ આદમી પાર્ટીની પેનલના અમીરૂન ચાવડા, અબ્બાસભાઇ ખીરા, અલુફીયા કુરેશી તેમજ હસનભાઇ મનોરીયાએ, બસપાના વોર્ડ.નં.૪ના એક ઉમેદવાર તેમજ વોર્ડ.નં.૨ અને ૧૪માં એક-એક અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.

આમ કુલ ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે મહાનગરપાલિકાની ચુંટણીનો જંગ ૨૩૬ ઉમેદવારો વચ્ચે લડાશે. ગઇકાલે ૫ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ૮ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સંખ્યા ૫૬માંથી ૪૮ થવા પામી હતી.

દ્વારકા જિલ્લા પંચાયતમાં ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા

દ્વારકામાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. જિલ્લા પંચાયતમાં ચૂંટણીમાં ત્રણ ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાની તા.પંચાયતમાં યોજાનાર ચૂંટણી માટે કોંગ્રેસ તથા અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે લાંબામાં એક તથા મોટા કાલાવડમાં બે ફોર્મ ભરાયા હતાં.

ખંભાળિયા પાલિકાના જંગમાં ત્રણ ફોર્મ ભરાયા

ખંભાળીયા નગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા ભાજપ પ્રમુખ મુળુભાઈ બેરા, પૂર્વ જિલ્લા પ્રમુખ કાળુભાઈ ચાવડા, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને ભાજપે જાહેર કરેલા નવા પસંદગીના ધોરણો સાથે ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા કરી હતી. ખંભાળીયા નગર પાલિકાની ચૂંટણીમાં ગઈકાલે બે ફોર્મ ભરાયા હતાં. જ્યારે આગલા દિવસે એક ફોર્મ રજુ થયું હતું. કોંગ્રેસના ઉમેદવારોની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે અતે તેમને ફોર્મ ભરવા તૈયાર રહેવા જણાવી દેવાયું છે. જ્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખંભાળીયાના ઉમેદવારો નક્કી થયા પછી સંભવત: આવતીકાલે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે તેમ જાણવા મળે છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

એન.સી.પી. ૧૧ બેઠક ઉપર ચૂંટણી લડશે

જામનગર મહાનગરપાલિકાના ચુંટણી જંગમાં હાજરી પુરાવવા ઝંપ લાવનાર નેશનલ કોંગ્રેસ (એન.સી.પી.)એ ૬૪માંથી માત્ર ૧૧ બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જામનગર મહાનગરપાલિકામાં ૧૯૯૫થી સત્તા સ્થાને રહેલા ભાજપ સામે કોંગ્રસ ઉપરાંત આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને એન.સી.પી.એ આ વખતે ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ભાજપના તમામ ૬૪ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તો કોંગ્રેસના ૬૦ ઉમેદવારો મેદાનમાં છે. આ સાથે બહુજન સમાજવાદી પાર્ટીના ૨૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો એન.સી.પી.ના ૧૧ ઉમેદવારે ફોર્મ ભર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.