વોર્ડના અનેક વિસ્તારોમાં સફાઈ, પાણી સહિતના વિકરાળ પ્રશ્ર્નો: કોંગ્રેસ જીતશે તો પ્રાથમિક સુવિધા માટે તનતોડ મહેનત કરશે
વોર્ડ નં.૨માં કોંગ્રેસે ઉમેદવાર તરીકે ૧૦૮ના હુલામણા નામથી જાણીતા અતુલભાઈ રાજાણી સાથે મુસ્લિમ અગ્રણી યુનુસભાઈ જુણેજા, ક્ષત્રિય સમાજના દિવ્યાબા જાડેજા અને બ્રહ્મ સમાજમાંથી આવતા નિમીષાબેન રાવલને ટિકિટ આપી વોર્ડમાં વર્ચસ્વ ધરાવતી તમામ જ્ઞાતિઓને સમાન તક આપી છે. આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉમેદવારોએ એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, આ વખતે વોર્ડ નં.૨માં ભાજપના ગઢમાં ગાબડુ પડશે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો તોતીંગ લીડથી વિજેતા બનશે.
કોંગ્રેસના ઉમેદવાર અતુલભાઈ રાજાણી, યુનુસભાઈ જુણેજા, દિવ્યાબા હરપાલસિંહ જાડેજા અને નિમીષાબેન રૂદ્રદત્તભાઈ રાવલે જણાવ્યું હતું કે, આ વોર્ડના અનેક વિસ્તારોમાં આજની તારીખે સફાઈ અને પાણી સહિતના પ્રશ્ર્નો છે. વોર્ડમાં યુરીનલની વ્યવસ્થા પણ ભાજપના શાસકો હજુ સુધી આપી શક્યા નથી. મહાપાલિકામાં પૈસા વિના એક પણ કાપ થતું નથી. જો કોંગ્રેસનું શાસન આવશે તો અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું વચન આપીએ છીએ. યુનુસભાઈ જુણેજાએ જણાવ્યું હતું કે, જ્યારે ભાજપને મતની જરૂર હોય ત્યારે મુસ્લિમોને પડખે ઉભો રાખે છે પરંતુ ટિકિટ ફાળવણી વખતે આ જ્ઞાતિને સાઈડલાઈન કરી દેવામાં આવે છે. નિમીષાબેન રાવલે જણાવ્યું હતું કે, ૩ ઈંચ વરસાદમાં રૈયા રોડ પર આઝાદ ચોકમાં ગોઠણડુબ પાણી ભરાય છે. આમ્રપાલી અંડરબ્રિજથી હવે સમસ્યા વધુ વિકરાળ બનશે. અમે છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છીએ જ્યારે આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો હજુ સુધી દેખાયા નથી. કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને અડધી રાત્રે ઉભા રહેવાની ખાતરી આપી છે. ‘અબતક’ની મુલાકાત દરમિયાન વોર્ડ નં.૨ના કોંગ્રી પ્રમુખ કૃષ્ણદત્તભાઈ રાવલ ઉપરાંત કોંગી અગ્રણી નીતિનભાઈ નથવાણી અને હરપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.