રાજધર્મ સર્વોપરી અને દેશહિતમાં ક્યારેય કોઈ બાંધછોડ ન કરવાની રાષ્ટ્રવાદિ નીતિ પર આઝાદ ક્યારેય સ્વાર્થના ગુલામ ન બન્યા
મને ગર્વ છે કે હું હિન્દુસ્તાની મુસ્લમાન છું, હું નશીબદાર છું કે, પાકિસ્તાન જવાવાળા મુસ્લિમોમાં સામેલ નથી… રાજ્ય સભામાં ગઈકાલે પોતાનો કાર્યકાળ પુરો કરતી વખતે વિદાય ભાષણમાં ભાવુક થયેલા ગુલામ નબી આઝાદની રાજકીય જીવન સફરમાં હંમેશા રાષ્ટ્રવાદ જ સર્વોપરી રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુલામ નબી આઝાદની બેદાગ રાજકીય કારકિર્દીને સલામી આપીને એવો ભાવ વ્યકત કર્યો હતો કે, અમે તમને રાષ્ટ્ર સેવામાંથી નિવૃત થવા નહીં દઈએ. ગુલામ નબી આઝાદ ભારતના જ નહીં સમગ્ર વિશ્ર્વના આદર્શ મુસ્લિમોનું પ્રતિક બની રહ્યાં છે. ગઈકાલે વિપક્ષના નેતાના પમાં ગુલામ નબી આઝાદે રાજ્યસભાનો પોતાનો કાર્યકાળ પુરો કર્યો ત્યારે તેમણે રાષ્ટ્ર અને દેશના રાજકીય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો કે તેમને રાષ્ટ્ર સેવાની તક આપી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદે કંડારેલા રાષ્ટ્રવાદ અને દેશહિતના અભિગમની કેડી પર આગળ વધવું એ પણ સૌભાગ્ય છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તરીકે આઝાદે હંમેશા દેશ હિતને સર્વોપરી માન્યું છે. તેમણે ક્યારેય રાજકારણના સ્વાર્થ હિતમાં ધૃવિકરણ થવા દીધું નથી. તે હંમેશા એક સાચા વતન પરસ્ત બની રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદ મુખ્યમંત્રી, સાંસદ અને રાષ્ટ્ર સેવક તરીકે ઉમદા બની રહ્યાં હતા. પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુલામ નબી આઝાદે અનેકવાર તેમની સાથે સંવાદ કર્યો હતો. આતંકવાદી હુમલામાં ગુજરાતના યાત્રાળુઓના મોત વખતે પણ ગુલામ નબી પડખે રહ્યાં હતા. શ્રીનગરના એરપોર્ટ પર ગુલામ નબી ભાવુક બની ગયા હતા જ્યારે કહ્યું હતું કે, યા અલ્લાહ આ શું થઈ ગયું, હું કેવી રીતે આતંકવાદીઓની ગોળીએ વિંધાયેલા યાત્રાળુઓના બાળકો અને વિધવાઓ સાથે આંખો મેળવી શકીશ. તેમણે પ્રવાસન ઉદ્યોગમાં પણ ખુબજ દિલ રેડીને કામ કર્યું હતું. ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી સાથે તેમણે કામ કર્યું હતું. ગુલામ નબી આઝાદ હંમેશા દેશ હિતમાં આતંકવાદીઓ સામે અડગ થઈને ઉભા રહેનારા નેતા બન્યા હતા. રાજ્યસભામાં વૈંકયા નાયડુએ આઝાદને રાષ્ટ્રનો અવાજ અને પ્રજાનું પ્રતિક ગણાવીને માન આપ્યું હતું.
ગુલામ નબી આઝાદ દેશના વતન પરસ્ત મુસ્લિમોના પ્રતિક છે, તેમણે ક્યારેય વતનથી ગદ્દારી કરનારાઓનો સાથ આપ્યો નથી. ઈસ્લામ ધર્મને માનવાવાળો મુસ્લમાન પોતાના રાષ્ટ્ર પ્રત્યે કેવા વફાદાર હોય તે ગુલામ નબી આઝાદના જીવન પરથી સાબીત થાય છે. સાચુ બોલવામાં જરા પણ ઉચ્ચાટ ન રાખનાર આઝાદે પોતાના છેલ્લા ભાષણમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્ર્વના મુસ્લીમ રાષ્ટ્રો અંદરો અંદર લડી રહ્યાં છે તે ઈસ્લામનો કાનૂન નથી, મને ગર્વ છે કે, હું હિન્દુસ્તાની મુસ્લિમ છું અને મારી જાતને નશીબદાર ગણુ છું કે, વતન છોડીને પાકિસ્તાન ચાલ્યા જનારા મુસ્લિમોમાં હું સામેલ થયો નથી.
ગુલામ નબી આઝાદ એટલે વતન પરસ્ત મુસ્લિમનો એક આદર્શ ચહેરો
ગુલામ નબી આઝાદ ગઈકાલે રાજ્યસભામાં નિવૃત થયા પરંતુ તે ભારતના સમાજ જીવન અને રાજકારણના આદર્શ પરિપેક્ષ્યમાંથી ક્યારેય ભુલાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આશા વ્યકત કરી છે કેે તે તેમને નિવૃત થવા નહીં દે. સુચિત ગણાય તેવી આ આશા દેશના ભવિષ્યના રાજકારણનો એક નવા અધ્યાયનો ચિતાર આપે છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકેલા ગુલામ નબી આઝાદે હંમેશા દેશને સર્વોપરીતા આપી છે તે ક્યારેય રાજકારણના શોર્ટકટના રસ્તે ગયા નથી. તેઓએ મુસ્લિમ હોવા છતાં ક્યારેય મુસ્લિમ રાષ્ટ્રો અને ધર્મના નામે દેશ વિરોધી તત્ત્વોની હિમાયત કરી નથી. તે અંદરો અંદર લડતા વિશ્ર્વના મુસ્લિમ દેશોની પેરવી કરવામાં ક્યારેય આગળ આવ્યા નથી. કાશ્મીરના રાજકારણમાં પણ તે દેશભક્ત નેતા તરીકે જીવનભર સફર રહ્યાં છે. મુસ્લમાન કેવા હોય, ધર્મમાં રાજધર્મનું શું મહત્વ છે, ઈસ્લામના આદર્શ શું છે તે ગુલામ નબી આઝાદના જીવનમાંથી પ્રેરણા લેવી જ રહી.