અમદાવાદમાં ૭૭૧, સુરતમાં ૪૮૪, રાજકોટમાં ૨૯૩, વડોદરામાં ૨૮૦, જામનગરમાં ૨૩૬, ભાવનગરમાં ૨૧૧ મુરતિયાઓનું ભાવિ મહાનગરના મતદારો ૨૧મીએ નક્કી કરશે
છ મહાપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેના બાદ મોડી સાંજે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી લડવા ૨૨૭૫ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં અમદાવાદમાં ૭૭૧, સુરતમાં ૪૮૪, રાજકોટમાં ૨૯૩, વડોદરામાં ૨૮૦, જામનગરમાં ૨૩૬, ભાવનગરમાં ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ગુજરાતની ૬ મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય બપોર સુધીમાં અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે ઉમેદવારોનું અંતિમ લિસ્ટ જાહેર થયું હતું. જેમાં અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે કુલ ૭૭૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો ૧ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૯૧ ઉમેદવારો અને કોંગ્રેસના ૧૮૮ ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના ૫૪ અને આમ આદમી પાર્ટીના ૧૫૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં ૮૬ અને અન્ય પક્ષોના ૫૬ ઉમેદવારો મેદાનમાં છે.
રાજકોટ મહાપાલિકામાં કુલ ૧૫ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લેતા હવે ૨૯૩ ઉમેદવાર વચ્ચે અંતિમ ચૂંટણી જંગ લડાશે.ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે બપોરે ૩ વાગ્યા સુધીમાં વોર્ડ નં.૭,૮ અને ૯માંથી તો કોઈ ખસ્યું ન હતું. જ્યારે વોર્ડ નં. ૩,૫, ૬અને ૧૮માંથી એનસીપીના એક-એક ઉમેદવાર, વોર્ડ નં.૧, ૨, ૩,૧૧, ૧૩,૧૫,૧૭માંથી ૧-૧અપક્ષ તેમજ વોર્ડ નં.૩ માંથી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું હતું. ઉલ્લેખનિય છે કે વોર્ડ નં. ૨, ૩, ૭,૯,૧૧,૧૨,૧૬,૧૭અને ૧૮માં કોઈ અપક્ષ ઉમેદવાર નથી. કુલ ૧૮ વોર્ડમાં માંડ ૨૦ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જંગમાં અડગ રહ્યા છે.
સુરત મનપાના ૩૦ વોર્ડમાં ૪૮૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ૩૦ વોર્ડની ૧૨૦ બેઠક પર કુલ ૪૮૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
સુરતમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે તેમાં ભાજપના ૧૨૦, કોંગ્રેસના ૧૧૭, આમ આદમી પાર્ટીના ૧૧૪, અપક્ષ ૫૫ અને અન્ય પક્ષના ૭૮ ઉમેદવારો છે. જ્યારે ભાવનગર મનપાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૧૦ ફોર્મ પરત
ખેંચાતા ભાવનગર મનપામાં હવે કુલ ૨૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
વડોદરા મનપાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર ૨૮૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ૭ ફોર્મ પરત ખેંચાયા. અમદાવાદ મનપાના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક પર ૪૮૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જયારે જામનગર મનપામાં ૧૬ વોર્ડની ૬૪ બેઠક પર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૧૪ ફોર્મ પરત ખેંચાતા હવે ૨૩૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના ૬૪ અને કોંગ્રેસના ૬૨ ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
આમ છ મહાપાલિકામાં હવે ૨૨૭૫ લડવૈયાઓ મેદાનમાં છે ૫૭૬ બેઠકો ઉપર તેઓ ચૂંટણી લડવાના છે. આ તમામનું ભાવિ મહાનગરના મતદારો આગામી ૨૧મીએ નક્કી કરવાના છે.
ભાજપની પ્રથમ જીત: અમદાવાદની એક બેઠક કોંગી ઉમેદવાર ખસી જતા બિનહરીફ
અમદાવાદના નારણપુરામાં બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક કબ્જે કરી છે. ૨૦૨૧ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જ જીત છે. નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મહેનતે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.