આંગડીયા પેઢી મારફતે પાંચ લાખની રકમ મેળવી હોવાની મુખ્ય આરોપીની કબૂલાત
પોલીસે એક કાર- ચાર બાઇક તથા ૭ મોબાઇલ વગેરે કબજે કર્યા: અન્ય સાત આરોપીની શોધખોળ
જામનગરના ઇવાપાર્ક વિસ્તારમાં પખવાડિયા પહેલાં એક બિલ્ડર પર ફાયરિંગ કરી ખુનની કોશિષ કરવા અંગેના અતિ ચકચારી પ્રકરણમાં પકડાયેલા સાત આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધારે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે અને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે જામનગરના બિલ્ડર અને તેના ભાઈ બંનેમાંથી કોઈ પણ એકને પતાવી દેવા માટેની સોપારી આપી હતી, અને પ્રત્યેકને ૩૦ લાખ આપવાનો સોદો કરીને હુમલો કરાવ્યો હતો. જેમાં યુપી થી બે શાર્પશૂટરને પણ મોકલ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલી એક કાર તથા અન્ય ચાર બાઇક તેમજ સાત મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા છે. જ્યારે આ પ્રકરણમાં બે શાર્પશૂટર અને જયેશ પટેલ સહિત વધુ સાત આરોપીઓને પોલીસ શોધી રહી છે.
જામનગરના ઇવાપાર્ક વિસ્તારમાં પખવાડિયા પહેલા બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા ઉપર સરાજાહેર ફાયરિંગ કરી ખૂનની કોશિશ કરવામાં આવી હતી. જેમાં તેને મોઢાના ભાગે ગોળી વાગી હતી, અને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન હાથ ધરી લીધા પછી તેના શરીરમાંથી ગોળી કાઢી લેવામાં આવી હતી, અને તેની તબિયતમાં સુધારો થતા રજા આપી દેવામાં આવી છે.
આ દરમિયાન સમગ્ર પ્રકરણમાં પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો હતો, અને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા સોપારી આપી હત્યાનો કારસો રચવા અંગેનો ગુનો નોંધ્યો હતો. જેમાં એલસીબીની ટીમે અગાઉ ૧ ટાબરીયા સહિત ૮ આરોપીઓ ભરત ઉર્ફે કચો આહિર, મયુર આલાભાઇ હાથલીયા, દીપ હીરજીભાઈ હડિયા, સુનિલ ખીમાભાઈ કણજારીયા,સુનિલ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરિયા અને ભીમશી ગોવાભાઈ કરમુર વગેરેની ધરપકડ કરી લીધી હતી.
જેમાં ટાબરિયાને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો હતો, જ્યારે બાકીના સાત આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા છે. જે રિમાન્ડ દરમિયાન મુખ્ય સૂત્રધાર એવા ભરત ઉર્ફે કચો નામના શખ્સે પોલીસ પાસે કેટલીક ચોંકાવનારી કબૂલાત કરી છે. જેમાં પોતે દિવાળી પહેલાથી ભૂમાફિયા જયેશ પટેલ સાથે વૉટ્સએપ કોલિંગમાં વાત કરતો હોવાનું કબૂલ્યું હતું. તેમજ બિલ્ડર જયસુખ પેઢડીયા અને તેના ભાઈ હસુ પેઢડીયા બેમાંથી જે મળે તેની હત્યા કરી નાખવા માટેની સોપારી આપી હતી, અને ફાયરિંગ પ્રકરણમાં જે લોકો જોડાય અને હત્યા કરી નાખે તેને ૩૦ લાખ રૂપિયા આપવા માટેનો સોદો કર્યો હતો.