જિનાલયોમાં ધર્મોલ્લાસનો માહોલ: દિવ્ય આંગીના નયનરમ્ય શણગાર નિહાળીને ભાવિકો ભાવવિભોર જાગનાથ પ્લોટ, માંડવી ચોક, મણિયાર દેરાસર સહિતના ઉપાશ્રયો ભવ્ય રોશનીથી ઝગમગાટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જપ, તપ, ધ્યાન અને આરાધનાનાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થઈ ચુકયો છે. ગઈકાલે દેરાવાસી જૈન સમાજમાં જયારે આજથી સ્થાનકવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. રાજકોટનાં તમામ જિનાલયોમાં વિવિધ અનેરા ધાર્મિક અનુષ્ઠાનોનું ભાવભેર નયનરમ્ય સુશોભન અને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા દેરાસરો અને ઉપાશ્રયો અદભુત રોશનીના શણગારથી ઝગમગી ઉઠયા છે. પર્યુષણના આઠેય દિવસ સવાર-સાંજ નિત્ય જૈન ભાવિકોની ભીડ જોવા મળશે. ઉપરાંત દરરોજ જેન સાધુ-સાધ્વીજીઓના શ્રીમુખેથી વ્યાખ્યાન પ્રવચન માળાનો લાભ ભાવિકો ઉઠાવશે. પ્રતિદિન શ્રાવકોને ભગવાનની પ્રતિમાને કરેલા દિવ્ય આંગીના સુંદર દર્શનનો લાભ મળશે.

સુપાર્શ્ર્વનાથ જિનાલય (માંડવી ચોક)

માંડવી ચોક દાદાવાડીમાં દરરોજ પરમાત્માને રીયલ ડાયમંડની મનમોહક આંગી ચડાવવામાં આવશે અને રાત્રીના ૮:૩૦ થી ૧૧:૦૦ જૈન ભકિત સંગીતમાં યુવા ભકિતકાર બેલડી ધર્મેશભાઈ દોશી તથા શૈલેષભાઈ વ્યાસ ભકિતરસમાં ભાવિકોને તરબોળ કરશે. ભકિત સંગીત દરમ્યાન પરમાત્માને આરતી, મંગળદિપનો ચડાવો બોલવામાં આવશે. જાગતાદેવ હજરાહજુર, માણીભદ્રવીરની આરતીનો આદેશ દરરોજ આપવામાં આવશે.સુપાર્શ્ર્વનાથ જીનાલયને અતિભવ્ય રીતે સુશોભિત તેમજ લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

મહાવીર સ્વામી જીનાલય (જાગનાથ)

મહાવીર સ્વામી જીનાલય જાગનાથમાં અતિ ભવ્ય રીતે સુશોભિત તેમજ લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. દરરોજ પ્રભુજીને સાચા ડાયમંડની લાખેણી અંગ રચના કરવામાં આવે છે. હાલમાં જાગનાથ જીનાલયમાં રીનોવેશન પૂર્ણ થયું છે. જીનાલયને અતિ સુશોભિત ગોલ્ડ સિલ્વરનો ઓપ આપી અતિ આકર્ષક બનાવાયું છે.દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુપ્રસિઘ્ધ જૈન ભકિતકાર નિલેશભાઈ તેમના સાથીઓ સાથે પધારશે. જૈન ભકિત સંગીતથી ભકતોને ભીજવશે, ભકિત સંગીત દરમ્યાન આરતી, મંગળ દિવાનો લાભ આપવામાં આવશે.

ચિંતામણી પાર્શ્ર્વનાથ જીનાલય મણીયાર

૭૨ વર્ષ પ્રાચિન તિર્થ ચિંતામણી પાર્શ્ર્વનાથ જીનાલય (મણીયાર)માં મુળનાયક ચિંતામણી પાર્શ્ર્વનાથદાદાને દરરોજ સાચા ડાયમંડથી લાખેણી અંગરચના કરવામાં આવશે. તથા જીનાલયમાં ભવ્ય રીતે સુશોભિત તેમજ લાઈટીંગ, ડેકોરેશન કરવામાં આવેલ છે.દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ ભકિત સંગીતની રમઝટ બોલાવાશે. મુલુંડ (મુંબઈ)ના સુપ્રસિઘ્ધ સંગીતકાર જીતુભાઈ તથા કમલેશભાઈ મહેતા પધારશે. ભકિત સંગીત દરમ્યાન આરતી મંગળ દિવાના આદેશ આપવામાં આવશે. સૌ જૈનો-જૈનાતરો પ્રભુભકિત માણવા પ્રભુદર્શને પધારવા પ્રમુખ જીતુભાઈ દેસાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ અને જીનાલયના ક્ધવીનરે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.