કોરોના મહામારીમાં માઠી બનેલી સેકટરની પરિસ્થિતિને ધ્યાને રાખી દિવાળી સુધી જંત્રીદરમાં ફેરફાર મુલત્તવી રાખવા જરૂરી
સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના જંત્રી દરમાં ફેરફાર કરવા માટે પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં સુપ્રીમે ૬ અઠવાડિયાની સમય મર્યાદામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપ્યા હતા. ત્યારે ગુજરાતમાં જો જંત્રીદરમાં હાલના તબક્કે ફેરફાર કરવામાં આવે તો અગાઉ કોરોના મહામારીને કારણે માઠી અસરનો સામનો કરતા રિયલ એસ્ટેટને વધુ માઠી અસરનો સામનો કરવો પડે તેવી દહેશત ઉભી થઇ છે. એક સર્વે અનુસાર જો જંત્રી દરમાં ફેરફાર કરવામાં આવે તો પ્રતિ સ્કવેર ફુટ રૂ. ૧ હજાર જેટલો ભાવ વધારો નોંધાઇ શકે છે જેની સીધી અસર બજારને થવાની દહેશત છે.
કોઈ પણ જમીનના જંત્રીના દરની સીધી અસર ટેક્સ પર પડતી હોય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હાલ રેકર્ડ પર રિયલ એસ્ટેટ ક્ષેત્રનું જેટલું ટર્ન ઓવર છે તેની સાથોસાથ બ્લેક કરન્સી ઇકોનોમીનું પણ એટલું જ ટર્ન ઓવર છે. જમીનની વાસ્તવિક કિંમત કરતા હંમેશા જંત્રીના દર ઓછા જ હોય છે. ઘણીવાર જમીન કે મિલકતના સોદામાં ૭૦% ચેક અને ૩૦% રોકડામાં પૈસાની ચુકવણી કરવા જેવી બાબતો કાને ચોંટતી હોય છે જેનો સ્પષ્ટ મતલબ છે કે, ટેક્સથી બચવા મિલકતની વાસ્તવિક કિંમતની સાપેક્ષે જંત્રી દર ઓછો બતાવવામાં આવ્યો હોય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર અર્થતંત્રને વેગવંતુ બનવવામાં જેટલો મહત્વપૂર્ણ છે એટલો જ મહત્વપૂર્ણ ફાળો બે નંબરના પૈસાની હેરફેરમાં પણ ભજવે છે. આ બાબતથી તંત્ર પણ વાકેફ છે જેના કારણે આઈ.ટી. ડિપાર્ટમેન્ટની મોટાભાગની રેઇડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હોય છે. આઈ.ટી.માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સોફ્ટ ટાર્ગેટ સમાન છે. ત્યારે સુપ્રીમમાં પીઆઇએલ દાખલ કરીને વર્ષ ૨૦૧૧માં જંત્રી દરમાં સુધારો કરવામાં આવ્યો હતો જેને દાયકાનો સમય પસાર થઈ ચૂક્યો છે ત્યારે જંત્રી દરમાં ફેરફાર કરવાની માંગણી એક રીતે યોગ્ય પણ છે પરંતુ હાલ આ નિર્ણય લેવાનો સમય અયોગ્ય છે તે બાબતમાં પણ શંકાને સ્થાન નથી. હાલના તબક્કે જંત્રી દરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ સુધારો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, સુધારાનો સમગ્ર દારોમદાર સુપ્રીમના નિર્ણય પર આધારિત છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્યના જંત્રી દરમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલ માસમાં ફેરફાર થવાની શકયતા છે.
સૂત્રો મુજબ, રેવન્યુ વિભાગે પણ રાજ્ય સરકારને જંત્રીદરમાં ફેરફાર કરવા માંગણી કરી છે. રેવન્યુ વિભાગે કહ્યું છે કે, નીચા જંત્રી દરને કારણે સરકારની મહેસુલી આવકને ભારે અસરનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જંત્રીમાં ફેરફાર રાજકીય વિવાદ ઉભો કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હાલ આ મામલે સુપ્રીમની ત્રણ જજોની ખંડપીઠ મામલામાં સુનાવણી કરી રહી છે. સુપ્રીમે રહયા સરકારને નોટિસ આપીને જવાબ આપવા આદેશ કર્યો છે. રહયા સરકારે જંત્રીદરમાં ફેરફાર અંગે તેમના મંતવ્યો ૬ સપ્તાહમાં સુપ્રીમમાં રજૂ કરવાના છે.
જંત્રીદરમાં સુધારો પ્રતિ ફૂટ રૂ. ૧૦૦૦ સુધીનો ભાવ વધારો સાથે લઈને આવશે : નિષ્ણાંતો
રિયલ એસ્ટેટના નિષ્ણાંતોના મત મુજબ હાલના તબક્કે જંત્રી દરમાં ફેરફાર કરવો યોગ્ય નથી. ટૂંક સમય પહેલા જ મહામારીની અસરમાંથી બહાર આવેલા દેશમાં રિયલ એસ્ટેટ હજુ માઠી અસરમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે. ત્યારે જો જંત્રીમાં ફેરફાર કરવામાં આવે તો તેની સીધી અસર બજારમાં જોવા મળશે. બાંધકામ સાથેની મિલકતમાં જંત્રીદર વધવાથી રૂ. ૩૦૦થી રૂ. ૧૦૦૦ સુધીનો ભાવ વધારો નોંધાઇ શકે છે. જો એકાએક આટલો મોટો ફેરફાર થાય તો ચોક્કસ બજારમાં તેની અસર નકારાત્મક આવવાની શક્યતાઓ છે.
જંત્રીદરમાં સુધારા અંગે મહેસુલ મંત્રીનું ‘નો કમેન્ટ્સ’
રાજ્યના મહેસુલ મંત્રાલયના મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના અવલોકનો અને સૂચનોનો અભ્યાસ કરી રહી છેબ દેશના ઘણા રાજ્યોએ અગાઉ જંત્રીદરમાં ફેરફારો કર્યા છે પરંતુ હાલ અમે ફક્ત અભ્યાસ કરી રહ્યા છીએ જેથી હાલના તબક્કે જંત્રીદરમાં સુધારા અંગે કોઈ પણ નિવેદન આપી શકાશે નહીં.