તમામ 18 વોર્ડમાં 72 ઉમેદવારોને કોંગ્રેસે ફોર્મ ક અને ખ માં બબ્બે સહીવાળા મેન્ડેટ આપતા ભાજપે વાંધો ઉઠાવ્યો: વોર્ડ નં.16માં પણ ડખ્ખો
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી શાસન વિહોણી કોંગ્રેસને આજે મતદાન પૂર્વે જ ફટકો પડ્યો છે. ગત શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારથી અલગ અલગ સ્થળોએ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના તમામ 72 ઉમેદવારોને ફોર્મ ક અને ખ માં બબ્બે સહીવાળા મેન્ડેટ આપવામાં આવ્યા હોય ભાજપે તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટેની માંગણી કરી વાંધો ઉઠાવ્યો હતો. મતદાન પૂર્વે જ કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. વોર્ડ નં.1ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ શિયાળ (આહિર)ને જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેમાં નામ લખવામાં આવ્યું ન હોવાના કારણે ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ નં.4માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નારણભાઈ સવસેતાને ત્રણ સંતાન હોવાના કારણે તેમનું ફોર્મ રદ કરાયું હતું. જો કે, ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરીયાનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. હજુ બે-ત્રણ વોર્ડમાં ઉમેદવારી રદ થવાની આશંકાઓ સેવાઈ રહી છે. વોર્ડ નં.16માં સાંજે 4 વાગ્યા બાદ જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે સમયસર વોર્ડ નં.1 થી 3 માટેના મેન્ડેટ આપી દીધા હોવાના પુરાવા સાથે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. જો આ અંગે તેઓ આખરી નિર્ણય એક તરફી લેશે તો કોંગ્રેસ અદાલતના દ્વાર ખખડાવે તેવી સંભાવના પણ જણાય રહી છે.
વોર્ડ નં.1માં ભરતભાઈ આહિરને અપાયેલું મેન્ડેટ નામ વિનાનું હોવાથી ઉમેદવારી ફોર્મ રદ્ થયું, હવે આ વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારો જ મેદાનમાં: વોર્ડ નં.4માં નારણભાઈ સવસેતાને 3 સંતાનો હોવાના કારણે તેઓનું ફોર્મ પણ રદ્દ થયું. જો કે ડમી ઉમેદવાર રામભાઈ જીલરીયાનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસને રાહત
મહાપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ ચાલ્યા બાદ કોંગ્રેસે માંડ-માંડ 72 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં 3 વાગ્યા બાદ મેન્ડેટ આપવામાં આવ્યા હોવાના પ્રશ્ર્ને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે જબરી બઘડાટી બોલી જવા પામી હતી. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે મેન્ડેટ મુદ્દે બબાલ સર્જાય તે વાત ફાઈનલ હોય તમામ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વોર્ડ નં.1માંથી કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ પાંચાભાઈ શિયાળનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેઓએ ફોર્મ ભરતી વેળાએ પક્ષનું મેન્ડેટ નામ વિનાનું હોવાના કારણે રીટર્નીંગ ઓફિસર દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
બીજી તરફ વોર્ડ નં.4માં પણ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નારણભાઈ સોમૈયાભાઈ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. કારણ કે તેઓને બે પત્નીથી ત્રણ સંતાન હોવાના કારણે નિયમ મુજબ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જો કે તેઓના ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરીયાનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. 18 વોર્ડની 72 બેઠકો પૈકી કોંગ્રેસે મતદાન પૂર્વે જ 1 બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. હવે કોંગ્રેસ 72 બેઠકો પરથી જ ચૂંટણી લડી શકશે. વોર્ડ નં.1 થી 3 માટે કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે બપોરે 2:57 કલાકે જ સંબંધીત રીટર્નીંગ ઓફિસરને મેન્ડેટ આપી દીધા હોવાનું અને તેઓએ પણ ફોર્મ મળ્યા હોવાના પુરાવા સાથે કોંગ્રેસના અગ્રણીઓ અધિકારીને મળવા પહોંચ્યા હતા. ત્યારે એવું જાણવા મળ્યું હતું કે, ત્રણ વોર્ડ માટે જે 12 ઉમેદવારોના નામના મેન્ડેટ આપવામાં આવ્યા હતા તેમાં વોર્ડ નં.1 માટે ભરતભાઈ શિયાળના ફોર્મ સાથે જે મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કોઈ પ્રકારનું નામ ન હોવાથી મેન્ડેટ કોરૂ હોવાના કારણે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મોટા ભાગના વોર્ડ માટે કોંગ્રેસે જે મેન્ડેટ આપ્યા છે તેમાં અધિકૃત કરાયેલા બે વ્યક્તિની સહી હોવાથી ફોર્મ રદ કરવા ભાજપે માંગણી કરી હતી. આજે અલગ અલગ સ્થળોએ ભાજપના નેતાઓ સવારથી પહોંચી ગયા હતા અને કોંગ્રેસના જે ઉમેદવારના મેન્ડેટમાં પ્રદેશમાંથી બે સહી સાથે આવ્યા હોવાના કારણે બબાલ સર્જાઈ છે. બીજી તરફ વોર્ડ નં.1 માટે ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે તેમાં એવું બહાનું આપવામાં આવ્યું રહયું છે કે મેન્ડેટ કોરૂ હોવાના કારણે રદ થયું છે. તો બીજી તરફ કોંગ્રેસની લીગલ ટીમ આર.ઓ. પાસે પહોંચી ગઈ હતી અને કોરૂ મેન્ડેટ બતાવવા માટેની માંગણી કરી હતી. જબરી માથાકૂટ ચાલી રહી છે.
કોંગ્રેસના તમામ ઉમેદવારોના મેન્ડેટ બબ્બે સહીવાળા !
રાજકોટના 18 વોર્ડ માટે કોંગ્રેસે જે 72 સત્તાવાર ઉમેદવાર ઉપરાંત અન્ય ડમી ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે તમામ મેન્ડેટમાં બબ્બે અધિકૃત વ્યક્તિની સહી છે. જેની સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષ મેન્ડેટ માટે એક વ્યક્તિને નિયુક્ત કરતી હોય છે. જે તે જિલ્લા કે મહાનગરના પક્ષ પ્રમુખને મેન્ડેટ માટે અધિકૃત કરવામાં આવતા હોય છે પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને જે મેન્ડેટ આપવામાં આવ્યા છે તેમાં વિજયભાઈ દવે અને બળદેવસિંહ ઠાકોર એમ બે અધિકૃત વ્યક્તિઓની સહી ફોર્મ ક અને ખ માં હોવાના કારણે ભાજપે તેની સામે વાંધો ઉપાડ્યો છે. જો કે, રીટર્નીંગ ઓફિસર એક જ વ્યક્તિને અધિકૃત કરી શકાય તેવો કોઈ જ નિયમ નથી તેવું જણાવીને કોંગ્રેસના અન્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રાખી રહ્યાં છે. માત્ર વોર્ડ નં.1માં એક ફોર્મ રદ કરાયું છે.
નામ વિનાનું મેન્ડેટ અધિકારીએ સ્વીકાર્યું કેમ ?: કોંગ્રેસનો સવાલ
વોર્ડ નં.1ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ શિયાળ દ્વારા ઉમેદવારી પત્ર સાથે જે મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ જ નામ લખવામાં આવ્યું ન હોવાના કારણે તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે રીટર્નીંગ ઓફિસર સમક્ષ કોંગ્રેસના વકીલોએ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, ફરજના ભાગરૂપે તમારે ફોર્મ સ્વીકારો ત્યારે બધુ જ ચેક કરી લેવું જોઈએ. તમે નામ વિનાનું કોરૂ મેન્ડેટ કેમ સ્વીકાર્યું. છતાં અમે તમારો નિર્ણય માન્ય રાખવા તૈયાર છીએ પરંતુ તમો અમારી સમક્ષ કોરૂ મેન્ડેટ રજૂ કરો.