ભાજપની જેમ કોંગ્રેસે પણ યુવાનોને વધુ તક આપી: 45 ઉમેદવારોની ઉંમર 50 વર્ષ કે તેથી ઓછી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ હોય. કાલે સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભાજપની માફક કોંગ્રેસે પણ યુવાનોને વધુ તક આપી છે. ગત ટર્મમાં વિજેતા બનેલા 34 અને હાલ મહાપાલિકામાં 31 સભ્યો ધરાવતી કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં 23 ઉમેદવારોને રીપીટ કર્યા છે. જેમાં શિક્ષીત ઉમેદવારોની સંખ્યા પણ સારૂ એવું દેખાઈ રહી છે.
2015માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ 34 બેઠકો પર વિજેતા બન્યું હતું. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં એક ઉમેદવારનું અકાળે અવસાન થતાં અને એક નગરસેવકે કેશરીયો ખેસ ધારણ કરી લેતા આ બે વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે એક ઉમેદવારને ગેરલાયક ઠેરવવાનો કેસ ઘણા સમયથી કોર્ટમાં ચાલ્યો હતો તે મુદત પુર્ણ થયા બાદ તેનો ચુકાદો આવ્યો ન હતો. દરમિયાન કોંગ્રેસે કુલ 23 ઉમેદવારોને ફરી ટિકિટ આપી છે જેમાં અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, સીમીબેન જાદવ, મનસુખભાઈ કાલરીયા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઈ હેરસોડા, ઉર્વશીબા જાડેજા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિ બેન ડાંગર, ભાનુબેન સોરાણી, મકબુલ દાઉદાણી, વશરામભાઈ સાગઠીયા, રસીલા બેન ગેરૈયા, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઈ પરસાણા, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબા જાડેજા અને નિર્મલભાઈ મારૂનો સમાવેશ થાય છે. કોંગ્રેસના 72 પૈકી 53 ઉમેદવારો 10 થી વધુ અભ્યાસ ધરાવે છે. અમુક ઉમેદવારો તો ડોકટર, વકીલ સુધીનો અભ્યાસ ધરાવે છે. 45 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી પણ ઓછી છે.