વહીવટી પાંખ દ્વારા વર્ષ 2021-22 માટે આવક-જાવક અને યોજનાકીય બજેટ તૈયાર કરી દેવાયું: અન્ય મહાપાલિકા માટે રાજ્ય સરકાર જે નિર્ણય લેશે તે રાજકોટને પણ લાગુ પડશે: બોર્ડમાં બજેટ મંજૂર કરવાની મુદતમાં ચૂંટણીના કારણે એક માસનો વધારો કરાય તેવી સંભાવના
રાજકોટ મહાનગ રપાલિકાની આગામી 21મીએ યોજાનારી સામાન્ય ચૂંટણીની આચારસંહિતા હાલ અમલમાં હોવાના કારણે બજેેટ અંગે ભારે અસમંજસની સ્થિતિ ઉભી થવા પામી છે.
વહીવટી પાંખ દ્વારા રાબેતા મુજબ વર્ષ 2021-22નું ફૂલ બજેટ તૈયાર કરી નાખવામાં આવ્યું છે. હવે માત્ર ખર્ચ અને આવકના આંકડાઓ મુકવા માટે ખાનાઓ ખાલી રાખવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષનું રિવાઈઝડ બજેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર રાજ્ય સરકારના માર્ગદર્શનની રાહ જોવાઈ રહી છે. સામાન્ય રીતે 20મી ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલી દેવું પડે છે પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે બજેટ મંજૂર કરવાની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.
આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દર વર્ષે વહીવટી પાંખ દ્વારા જાન્યુઆરી માસના અંતમાં સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ બજેટ રજૂ કરી દેવામાં આવે છે અને ખડી સમીતી 10મી ફેબ્રુઆરી સુધીમાં આ બજેટને સુધારા વધારા સાથે મંજૂર કરી આખરી બહાલી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દે છે અને બોર્ડ 20મી ફેબ્રુઆરી પહેલા નિયમોનુસાર બજેટ મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી આપે છે. દર વર્ષે આ પ્રક્રિયા નિયમ મુજબ ચાલતી હોય છે પરંતુ આ વર્ષે મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે બજેટ આપવું કે કેમ તે અંગે પણ અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી વડા તરીકે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને સ્ટેન્ડિંગ કમીટીની સત્તા આપવામાં આવી છે પરંતુ જનરલ બોર્ડની સત્તા આપવામાં આવી નથી. આવામાં બજેટ કઈ રીતે મંજૂર કરવું તેને લઈને પણ ભારે અસમંજસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિત વહીવટી પાંખ દ્વારા છેલ્લા એક માસથી બજેટ બનાવવા માટેની તૈયારીઓ અને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. હવે મહાપાલિકાના વર્ષ 2021-22 માટે ફૂલ બજેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેમાં અનેક નવી નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્રને માત્ર આવક અને ખર્ચના આંકડાઓના ખાનાઓ જ ભરવાના બાકી રાખવામાં આવ્યા છે. અન્ય મહાપાલિકા દ્વારા બજેટ અંગે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. જેને રાજકોટ પણ અનુસરશે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર બજેટ મંજૂર કરવા માટેની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં એક મહિનાનો વધારો કરે તેવી સંભાવના હાલ જણાય રહી છે. નિયમ મુજબ 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવાનું રહે છે. પરંતુ આ વર્ષે મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે. સાથો સાથ વહીવટદાર તરીકે નિયુક્ત કરાયેલા મ્યુનિ.કમિશનરને જનરલ બોર્ડના કોઈ જ પ્રકારના પાવર આપવામાં આવ્યા નથી. આવામાં બજેટ મંજૂર કરવા માટેની જે અવધી 20મી ફેબ્રુઆરી સુધી છે તે રાજ્ય સરકાર વધારીને 20મી માર્ચ સુધીમાં કરે તેવું લાગી રહ્યું છે. મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ માર્ચના પ્રથમ સપ્તાહમાં શાસકોને બેસાડી દેવામાં આવશે. ત્યારબાદ તુરંત કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવશે જેનો ટૂંકો અભ્યાસ કરી ખડી સમીતી આ બજેટને આખરી બહાલી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દેશે અને નિયત સમય મર્યાદામાં બજેટ સરકારમાં મોકલી દેવામાં આવશે. બજેટ કઈ રીતે આપવું તે અંગે હાલ સંપૂર્ણપણે રાજ્ય સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.