ર1મી તારીખે રાજકોટ મહાનગર પાલિકાનાં 1 થી 18 વોર્ડની ચૂંટણી થનાર છે. તમામ ઇલેકશન બુથ ઉપર ડયુટી બજાવતા સ્ટાફની તાલિમો ગઇકાલથી જ શરુ થઇ ગયેલ છે. આજે અને આવતીકાલે પણ તાલિમ યોજાનાર છે. શહેરનાં તમામ બુથોમાં સ્ટાફ નિયુકત ઓર્ડરો બજવી આપ્યા છે.
ગઇકાલે પ્રમુખ સ્વામી હોલ ખાતે વોર્ડ નં. 10 થી 1ર ના બુથના પ્રિસાઇડીંગ ઓફીસરને પ્રથમ મતદાન અધિકારીની તાલિમ યોજવામાં આવેલ હતી જેમાં ચૂંટણી અધિકારી સુનિલકુમાર ચૌધરી અને નાયબ ચૂંટણી અધિકારી એચ.સી. ગાગીયાએ ઇલેકશન અંગે વિવિધ માહીતી આપી હતી. માસ્ટર ટ્રેનર અરૂણ દવે તથા સંજય મહેતા તથા શુકલભાઇ એ પી.પી.ટી. દ્વારા કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ સાથે વિવિધ ઇલેકશન પાસાની તાલિમ આપી હતી. આવતીકાલે રવિવારે સવારે પી.ડી. એમ. કોલેજ 10 વાગે અને બપોરે 2.30 વાગે વોર્ડ નં. 13 થી 15 ના મતદાન મથક માટેના સ્ટાફની તાલિમ યોજવામાં આવેલ છે. જેને માટે મામલતદાર સી.એમ. દંગી નાયબ મામલતદાર મનસુખભાઇ રામાણીના માર્ગદર્શન તળે માસ્ટર ટ્રેનર આયોજન સંભાળી રહ્યા છે.
શહેરના બધા વોર્ડમાં ઇ.વી. એમ. નિદર્શન શરૂ
ચૂંટણીમાં વપરાતા ઇ.વી.એમ. મશીન બાબતે લોકોને જાણકારી મળે સાથે કેવી રીતે મતદાન કરવું તે માટે બેલેટ યુનિટ તથા કંટ્રોલ યુનિટના જોડાણ સાથે દરેક વોર્ડના મુખ્ય ચોકમાં તંત્ર દ્વારા નિદર્શન શરુ કરાયું છે. એક મતદાર ચાર મત આપી શકે છે. તે બટન પ્રેસ કર્યા બાદ રજીસ્ટર બટન દબાવવું જરુરી છે. આવી વિવિધ બાબતોની જાણકારી માહીતી લોકોને મળે તેવા પ્રયાસથી આ સુંદર આયોજન શહેરમાં આજ સવારથી જ જોવા મળી રહ્યું છે.