વોર્ડ નં.1ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા અને હિરેનભાઈ ખીમાણીયાએ લીધી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.1 માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા અને યુવા ચહેરા તરીકે હિરેનભાઈ ખીમાણીયાની પસંદગી કરી છે. ગઈકાલે ચારેય ઉમેદવારોએ વિજય વિશ્ર્વાસ સાથે દાવેદારી નોંધાવ્યા બાદ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, શહેરના 18 વોર્ડ પૈકી વોર્ડ નં.1 લીડમાં પણ નંબર વન રહેશે.
ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા અને હિરેનભાઈ ખીમાણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી વોર્ડ નં.1 ભાજપનો ગઢ રહ્યો છે. આ વિસ્તાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બેઠકમાં આવતો હોય અહીંથી ભાજપને દર વખતે દરેક ચૂંટણીમાં તોતીંગ લીડ મળે છે. આ વખતે પણ કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભાજપના પૂર્વ નગર સેવકોએ અહીં કરેલા વિકાસથી પ્રજાજનોમાં પણ પૂર્ણ સંતોષ જોવા મળી રહ્યો છે. આ વખતે શહેરના તમામ 18 વોર્ડમાંથી વોર્ડ નં.1માં સૌથી વધુ લીડ ભાજપને મળશે તેવો વિશ્ર્વાસ તેઓએ વ્યકત કર્યો હતો. ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી કાર્યકરોની એવી લાગણી હતી કે, હું મહાપાલિકાની ચૂંટણી લડુ, પાર્ટીએ જે આદેશ આપ્યો તે મે સ્વીકાર્યો છે. વધુ એક વખત પાર્ટીએ મારા પર વિશ્ર્વાસ મુક્યો તે મારા માટે આનંદની વાત છે. દુર્ગાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને બીજી વખત ટીકીટ આપી પક્ષે જે વિશ્ર્વાસ મુક્યો છે તેને હું સાર્થક કરીશ અને તોતીંગ લીડથી અમે જીતીશું. ડો.અલ્પેશભાઈ મોરજરીયાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ નવી જવાબદારી આપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ. વોર્ડમાં સંગઠનની અમારી ટીમ ખુબજ મજબૂત છે. વિકાસને ગતિ આપવા માટે પાર્ટીમાં યુવાનોને વધુને વધુ સક્રિય કરવામાં આવી રહ્યાં છે. હિરેનભાઈ ખીમાણીયાએ જણાવ્યું હતું કે, યુવા ઉમેદવાર તરીકે ભાજપે મારી પસંદગી કરી છે તેના માટે હું પાર્લામેન્ટરી બોર્ડ અને સ્થાનિક નેતાઓનો આભારી છું, યુવાનો માટે સતત કામ કરતો રહીશ. મારા પિતાનો રાજકીય વારસો આગળ ધપાવીશ. વધુને વધુ કાર્યકરો પક્ષ સાથે જોડાય તેવો મારો પ્રયાસ રહેશે. વોર્ડમાં અમે જંગી લીડથી જીતવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દેશું. આ તકે વોર્ડ નં.1ના ભાજપના પ્રમુખ હિતેશભાઈ મારૂ અને જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.