ઓનલાઈન અરજી માટે છેલ્લા 6 દિવસ બાકી: 29,916 ઉમેદવારોએ તો પરીક્ષા ફી પણ ભરી દીધી
રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી વર્ગ-3ની જુનિયર કલાર્કની 122 જગ્યાઓ ભરવા માટે કોર્પોરેશન દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. આજ સુધીમાં 43,854 ઉમેદવારોએ અરજી ભરી દીધી છે. આગામી 9મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. નિમણુક પામનાર જુનિયર કલાર્કને 5 વર્ષ સુધી ફિકસ પગાર અપાશે ત્યારબાદ 7માં પગારપંચ મુજબ વેતન ચુકવવામાં આવશે.
અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર કલાર્કની 122 જગ્યાઓ ભરવા પખવાડિયા પૂર્વે જાહેરાત મારફત અરજીઓ મંગાવવામાં આવી છે. આજ સુધીમાં 43,854 અરજીઓ આવી છે જે પૈકી 29,916 ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ભરી દીધી છે. જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી પેટે રૂા.500 વસુલ કરવામાં આવે છે. જયારે અલગ-અલગ અનામત કેટેગરીમાં આવતા ઉમેદવાર પાસેથી પરીક્ષા ફી પેટે રૂા.250 વસુલ કરવામાં આવશે. મહાપાલિકાની ચુંટણી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની લેખીતમાં પરીક્ષા લેવામાં આવશે. આગામી 9મી ફેબ્રુઆરી સુધી જુનિયર કલાર્કની જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રથમ પાંચ વર્ષ માટે જુનિયર કલાર્કને ફિકસ રૂા.19,950 પગાર ચુકવવામાં આવશે ત્યારબાદ તેઓ વર્ગ-3ની કેટેગરીમાં આવતા હોય સાતમાં પગારપંચ મુજબ વેતન ચુકવવામાં આવશે.