ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહીતના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા કાર્યવાહી
કોંગ્રેસમાં અંતિમ સમય સુધી પણ ઉમેદવારો શોધવા માટેની ભારે કવાયત: કોરા મેન્ડેટ ફોર્મ અપાયા
ભાજપમાંથી નારાજ થયેલા અનેક દાવેદારોએ આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવતા ભારે હલચલ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટેના આજે અંતિમ દિવસે ભારે ધમાસાણ થયું છે. કોંગ્રેસ- ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભરવા માટે લાઇન લગાવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે વિરોધ વંટોળની વચ્ચે આખરે ઉમેદવારીપત્રો ભર્યા છે. મોવડી મંડળે મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા છે. જોકે કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને શોધવાની કવાયત ચાલી રહી છે, અને કોરા મેન્ડેટ ફોર્મ આપવાનો વારો આવ્યો છે. ઉપરાંત આમ આદમી પાર્ટીમા તાત્કાલિક અસરથી અનેકને પ્રવેશ અપાયો છે. ભાજપના અસંતુષ્ટો, નારાજ કાર્યકરોએ મળી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. જેને લઈ ભારે રાજકીય ગરમી આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ૧૬ વોર્ડના ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાયા છે. જુદા જુદા ચારેય રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો ભરવામાં આવ્યા છે. અનેક વોર્ડમાં વિરોધ વંટોળ ચાલી રહ્યો હતો, જેમાં સ્થાનિક અગ્રણીઓએ ભારે સમજાવટ કર્યા પછી મામલો થાળે પડયો છે. પૂર્વ મેયર રાજુભાઈ શેઠ અને તેમના સમર્થકો ઉમેદવારી પત્ર ભરવાના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ભારે મસલતો પછી સમાધાન સધાયું હતું. જ્યારે બાકીના વોર્ડમાં પણ આજ રીતે પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી પણ દોડધામ ચાલી રહી છે. કેટલાક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો શોધવા માટે પણ અંતિમ ઘડીએ ભાગદોડ મચેલી છે, અને કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરા મેન્ડેટ ફોર્મ આપવામાં આવી રહ્યા છે. બાકી રહેલા વોર્ડમાં ઉમેદવારો શોધવા માટે ભારે ખેંચતાણ થઈ રહી છે. તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીનું ત્રીજું પરિબળ પણ ઊભું થયું છે. આમ આદમી પાર્ટીની કેટલીક પેનલ જાહેર થઈ હતી, જ્યારે બાકીના ઉમેદવારોના નામો પર હજુ સુધી ચર્ચા થઈ નથી પરંતુ આજે અંતિમ દિવસે ભાજપમાંથી નારાજ થયેલા દાવેદારોએ ભાજપમાંથી તાત્કાલિક અસરથી રાજીનામા આપ્યા છે, અને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી લઈ ઉમેદવારી નોંધાવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. જેને લઇને જામનગરમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. અને ચૂંટણીનો જંગ અમુક વોર્ડમાં ત્રિપાંખિયો રહે તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસનો સમય પૂર્ણ થયા પછી કયા વોર્ડમાં વોર્ડમાંથી કઈ પાર્ટી ના કેટલા ઉમેદવારો દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે, તેના પરથી સમગ્ર ચિત્ર ધ્યાનમાં આવશે. પરંતુ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ રસપ્રદ બની રહેશે.