ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના નામના સત્તાવાર ઘોષણા, બીજી યાદીમાં ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિલીપભાઈ આસવાણી, વશરામભાઈ સાગઠીયા, ધર્મિષ્ઠાબા જાડેજા, નિર્મલ મારૂ, પારૂલબેન ડેર, પરેશ હરસોંડા, વસંતબેન માલવી સહિતના સીટીંગ કોર્પોરેટરોને રીપીટ કરાયા: સતત બે ટર્મથી હારતા મોહન સોજીત્રાને ફરી લોટરી, અભિષેક તાળાને પણ ટિકિટ
વોર્ડ નં.૧,૪,૭,૯,૧૧,૧૩,૧૬ અને ૧૮માં હજુ ડખ્ખો: આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસની લાઈનો લાગશે: બાકી રહેતા ૧૧ ઉમેદવારોને ડાયરેકટ મેન્ડેટ અપાય તેવી સ્થિતિ
રાજકોટ મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાતાની સાથે જ કોંગ્રેસમાં કાળો કકળાટ મચી ગયો હતો. જેના કારણે પક્ષ બીજી યાદી જાહેર કરવાનું સતત પાછુ ઠેલતું હતું. દરમિયાન ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિત ૯ ઉમેદવારોને ડાયરેકટ મેન્ડેટ આપી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતા. મધરાત્રે કોંગ્રેસે રાજકોટ માટે ૩૯ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. હજુ શહેરના ૧૮ વોર્ડ પૈકી ૮ વોર્ડમાં કોંગ્રેસમાં ડખ્ખો ચાલુ હોવાના કારણે ૧૧ નામો જાહેર થઈ શક્યા નથી. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવાના બદલે તેઓને ડાયરેકટ મેન્ડેટ આપી દેવામાં આવશે. માત્ર ૧૦ વોર્ડમાં કોંગ્રેસ આખી પેનલના નામો જાહેર કર્યા છે.
કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ૨૨ નામો જાહેર કરાયા હતા. દરમિયાન ગઈકાલે મધરાત્રે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની બીજી યાદીમાં વધુ ૩૯ નામ જાહેર કરાયા છે. જેમાં વોર્ડ નં.૨માં નીમીષાબેન રાવલ, અતુલભાઈ રાજાણી અને યુનુસભાઈ જુણેજા, વોર્ડ નં.૩માં કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઈ આસવાણી, વોર્ડ નં.૪માં ઠાકરશીભાઈ ગજેરા, વોર્ડ નં.૫માં લાભુબેન ઠુંગા અને હર્ષદભાઈ વશરામભાઈ વાઘેરા, વોર્ડ નં.૬માં કિરણબેન વનરાજભાઈ સોનારા અને મોહનભાઈ સોજીત્રા, વોર્ડ નં.૭માં પડાયા વૈશાલીબેન જયંતીભાઈ કરચલીયા, વિશાખાબેન દિપકભાઈ અને કેતનભાઈ ઝરીયા, વોર્ડ નં.૮માં સવિતાબેન શ્રીમાળી, દ્રષ્ટિ વિનોદભાઈ પટેલ અને નયન ભોરણીયા, વોર્ડ નં.૯માં પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ નં.૧૦માં જયશ્રીબેન મહેતા અને અભિષેક તાળા, વોર્ડ નં.૧૧માં વસંતબેન માલવી, પારૂલબેન ડેર અને પરેશભાઈ હરસોડા, વોર્ડ નં.૧૨માં મીતાબેન મારડીયા અને સંજયભાઈ અજુડીયા, વોર્ડ નં.૧૩માં ગીતાબેન મુછડીયા અને રવિભાઈ વેકરીયા, વોર્ડ નં.૧૪માં શ્ર્વેતાબેન વાગડીયા, મનસુરભાઈ વાળા અને અંકિત સુરેશભાઈ શિયાળ, વોર્ડ નં.૧૫માં કોમલબેન ભારાઈ, ભાનુબેન સોરાણી અને વશરામભાઈ સાગઠીયા, વાર્ડ નં.૧૬માં બાબુભાઈ ઠેબા, વોર્ડ નં.૧૭માં વસંતબેન પીપળીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વોર્ડ નં.૧૮માં ધમિષ્ઠાબા મયુરસિંહ જાડેજા, નિર્મળભાઈ રાવતભાઈ મારૂ અને હસમુખભાઈ વીરજીભાઈ સોજીત્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પ્રથમ યાદીમાં અલગ અલગ ૧૪ વોર્ડ માટે ૨૨ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે છતાં રાજકોટમાં ૧૮ વોર્ડ પૈકી ૮ વોર્ડમાં કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે. વોર્ડ નં.૧માં સૌથી વધુ ડખ્ખો છે. અહીં ચાર ઉમેદવારો પૈકી માત્ર એક જ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૪માં ૧ નામ, વોર્ડ નં.૭માં ૧ નામ, વોર્ડ નં.૯માં ૧ નામ, વોર્ડ નં.૧૧માં ૧ નામ, વોર્ડ નં.૧૩માં ૧નામ, વોર્ડ નં.૧૬માં ૧ નામ અને વોર્ડ નં.૧૮માં ૧ ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે. જે ૧૧ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ત્યાં તેની સત્તાવાર ઘોષણા કરવાના બદલે કોંગ્રેસ ડાયરેકટ મેન્ડેટ આપી આજે બપોર સુધીમાં ફોર્મ ભરાવે તેવું લાગી રહ્યું છે.