રોડ મેટલીંગ કરાયા બાદ પાઈપ લાઈનમાં માટી ઘુસી જતાં પાણી મળતું ન હોવાની ફરિયાદો સાથે અધિકારીઓને રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ટાંકણે જ શહેરના વોર્ડ નં.18માં રણુજા મંદિર પાસે પાછળના કોઠારીયા મેઈન રોડ પર વિસ્તાર નજીક આવેલા રણુજા મંદિરની પાછળ આવેલા સંતોષપાર્ક શેરી નં.4માં પાણી પ્રશ્ર્ન સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી પાણી મળતું ન હોય આજે મહિલાનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.
મહિલાઓએ અધિકારીને આપેલી લેખીત ફરિયાદમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.18માં કોઠારીયા મેઈન રોડ પર રણુજા મંદિર પાછળ આવેલા સંતોષ પાર્ક શેરી નં.4માં છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણીની વ્યાપક ફરિયાદો છે. આ અંગે ત્રણ થી ચાર વખત ફરિયાદ કરવામાં આવી છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્રણ-ચાર મહિનાથી અહીં રોડના મેટલીંગ કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાઈપ લાઈનમાં માટી ઘુસી ગઈ હતી જે વ્યવસ્થિત સાફ કરવામાં આવી ન હોવાના કારણે શેરીના આગળના ચાર થી પાંચ ઘરોને જ પાણી મળે છે. બાકીના 20 થી 25 ઘરોને પાણી પુરતું મળતું નથી. આ અંગે વોર્ડ ઓફિસ અને રાજકીય પક્ષોના કાર્યાલયે ફરિયાદ નોંધવામાં આવી હતી છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. આજે 20 થી 25 મહિલાઓનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું.