પર્યટન ઉદ્યોગમાં બે વર્ષ માટે ‘જીએસટી’માંથી છુટકારો, પ્રવાસન કર્મીઓનું પુનર્વસન કરવા, પર્યટક વાહનોને રોડ ટેકસમાંથી મુક્તિ આપવા સહિતની માંગણીઓ
પર્યટન એ કોઈપણ રાષ્ટ્રનો ચહેરો છે. જો સેવાઓ ખરાબ રીતે આપવામાં આવે, તો તે વૈશ્ર્વિક સમુદાય સમક્ષ દેશના ચહેરાને કલંકિત કરશે અને ભારત તેની સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્ય માટે જાણીતો છે, કારણ કે આતિથ્ય આપનારાનું ઊંચુ સ્થાન છે. જો કે, કમનસીબે, આપણી સરકાર છેલ્લા 10 પડકારજનક મહિના દરમિયાન દેશના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા 5.5 કરોડ લોકોની સંભાળ લેવાનું ભુલી ગઈ છે.
ઘણા તૂટવાની તૈયારીમાં છે. ઘણાએ પ્રવાસન ક્ષેત્ર છોડી દીધું છે. રાષ્ટ્રની પ્રગતિમાં સેવા આપતા આવા સમર્પિત નિસ્વાર્થ સમુદાયને નજરઅંદાજ કરી શાસક સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય તમામ ક્ષેત્રોમાં પુનર્જીવિત થાય છે, ત્યારે પર્યટન હજી પાછું પાટે ચડ્યું નથી અને સરકારે રોજગારી કે વ્યવસાયિક નુકસાનની જવાબદારી લેવાની પણ તસ્દી લીધી નથી.
સરકારોની નિષ્ક્રિયતા પ્રત્યે વિરોધ દર્શાવવાનો આ સમય છે. આજે પર્યટન ક્ષેત્રના સાથીઓએ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને પોતાની ચિંતા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઈઝર સહિતના તમામ કોવિડ પ્રોટોકોલ્સ જાળવવામાં આવ્યા હતા.
દેશભરમાં વિરોધ પ્રદર્શન થવાનું હોવાથી, દેશના જુદા જુદા સ્થળો પર ટીએલસી સભ્યોને આ પગલાને સમર્થન આપવા માટે જે તે સ્થળની પ્રાદેશિક કલા સાથે સાંસ્કૃતિક બાબતોને પણ દર્શાવતા સરઘસો યોજવા હાકલ કરવામાં આવી છે. ટીએલસીની મુખ્ય માંગણીઓ જેમાં પર્યટનમાં બે વર્ષ માટે જીએસટીમાંથી છુટકારો, કોવિડ દરમિયાન નોકરી ગુમાવનારા પર્યટન કર્મચારીઓનું પુનર્વસન કરો, તુરંત જ આંતરરાષ્ટ્રીય પર્યટન ખોલો અને પ્રવાસીઓ માટે રાજ્ય મુજબ નિયંત્રણો લાદો નહીં, એક વર્ષ માટે ટેકસીઓ અને પર્યટક વાહનોને રોડ ટેકસમાંથી મુક્તિ આપો, એક વર્ષ માટે હોટલને વીજબીલ ચૂકવવા અને બિલ્ડીંગ ટેકસ ચૂકવવાથી મુક્તિ આપો, પર્યટન ક્ષેત્રને ઉદ્યોગ દરજ્જો આપો, બેંકો પર્યટન માટે વધારાની કાર્યકારી મૂડી વધારે તે સુનિશ્ર્ચિત કરો, તરત જ 2019-20 માટે એસઈઆઈએસ લાભ છુટા કરો વગેરે મુખ્ય માંગણીઓ છે. રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શનમાં રૂષભભાઈ મણિઆર, રવિભાઈ પોપટ, પરાગભાઈ શીંગાળા, દિપકભાઈ ઢોલરીયા વગેરે જોડાયા હતા.
કોવિડ-19 બાદ ખત્મ થયેલી ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝને પ્રાધાન્ય આપો: મયંક પાઉ (‘રાગ’ના પ્રેસિડેન્ટ)
‘રાગ’ના પ્રેસિડેન્ટ મયંકભાઈ પાંઉએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીમાં ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝ ખત્મ થઈ છે ત્યારે હવે આ ઉદ્યોગને પ્રાધાન્ય આપવું જ પડશે. ટુરીઝમ ક્ષેત્રને ડેવલપ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા એજન્ટોની છે. પ્રવાસન ક્ષેત્રોની સરકારની જાહેરાતોમાં પ્રોગ્રામીંગ પણ પર્યટક એજન્ટો કરતા હોય છે. કોરોના મહામારીમાં તમામ ધંધા-વેપારને અસર થઈ છે પરંતુ તેમાં પ્રવાસન ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે. જેના લીધે 35 થી 40% આ ક્ષેત્રના કર્મચારીઓ બેકાર બન્યા છે અથવા અન્ય ધંધામાં જોડાવા મજબુર બન્યાં છે. ત્યારે અમારી મુખ્ય માંગણીઓ સરકાર સુધી પહોંચે અને અમારો ઉદ્યોગ ફરી ચેતનવંતો બને તે માટે આજરોજ અમોએ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
સરકારીની મદદથી જ અમારો ઉદ્યોગ બેઠો થશે: અમેશ દફતરી (પ્રમુખ-ટીએલસી)
ટીએલસીના પ્રમુખ અમેશભાઈ દફતરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટુરીઝમ ઉદ્યોગ કોરોના મહામારી બાદ ખાડે ગયો છે ત્યારે ટુરીઝમને બચાવવા સરકાર અમારી પડખે ઉભી રહે તેવી અમારી માંગ છે. ટુરીઝમ ઉદ્યોગને ઘણા બધા મુદાઓ અસર કરી રહ્યાં છે ત્યારે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે, પ્રવાસ ઉદ્યોગને જીએસટીમાં રાહત આપો, કોવિડમાં અનેક પર્યટક કર્મીઓએ નોકરી ગુમાવી છે તો તેઓનું પુનવર્સન, હોટેલોને લાઈટબીલ, ટેકસમાં રાહત આપવા સહિતની અમારી માંગણીઓ છે. અંતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ટુરીઝમ ક્ષેત્ર ખુબ સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકાર પ્રવાસન ઉદ્યોગને યોગ્ય મદદ કરે તો ફરી ટુરીઝમ ક્ષેત્ર વેગવંતો થશે.