શિકારી ખુદ યહા શિકાર બન ગયા…
15 ફાંસલા પણ મળી આવ્યા: નવ શખ્સો પાંચ દિવસના રિમાન્ડ પર
ગીરના સિંહ અને વન્ય પ્રાણીઓ ઉપર ખતરો બની આવેલ અને ફાંસલો ગોઠવી શિકાર કરવા નીકળેલ શિકારી ગેંગ હાલમાં તો ખુદ શિકાર બની જવા પામી છે અને 15 ફાંસલા, વન્ય પ્રાણીઓના માસ, હાડકા સાથે 38 લોકોને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે, જેમાંથી 9 શખસોના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. બીજી બાજુ આ ઘટનાને પગલે સરકારમાં પણ હલચલ મચી જવા પામી છે અને સેન્ટ્રલ આઇબી દ્વારા આ અંગેના રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તો વન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના 13 ડિવિઝનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઠેરઠેર તપાસ આદરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામ નજીકના રેવન્યુ વિસ્તારમાં શિકારી ટોળકીએ ગોઠવેલા ફાંસલામાં એક સિંહબાળ ફસાઈ ગયા બાદ વિફરેલી માતા સિંહણ એ શિકારી પર હુમલો કર્યાની ઘટના બન્યા બાદ વન વિભાગમાં હડકંપ મચી જવા પામી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે વન વિભાગે પહોંચી સિંહબાળને બચાવી લીધો હતો. આ સિવાય અન્ય ફાંસલામાં ફસાયેલ એક સિંહ તથા ઉંદર મળી આવતા તેમને પણ મુક્ત કરાયા હતા. જો કે શિકારી ટોળકીનો ઘવાયેલ શખ્સ હાજર મળી આવેલ ન હતો તેને જુનાગઢ પોલીસની મદદથી વંથલી તાલુકાના વાડલા ફાટક નજીકથી અન્ય ત્રણ શખ્સો સાથે પકડી પાડવામાં આવ્યો હતો. અને ઘવાયેલા શખસને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે વન વિભાગને સ્થાનિક લોકો દ્વારા માહિતી મળી હતી કે, ઝૂંપડામાં રહેતા અન્ય લોકો ઉના અને ભાવનગર તરફ નાસી છૂટયા છે, ત્યારે વન વિભાગે એસ.ઓ.જી.ની મદદ લઇ આ લોકોને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ભાવનગરની નારી ચોકડી પાસેથી પ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લોખંડનો ફાંસલો, સાંકળ, સહિતના સાધનો અને વન્ય પ્રાણીઓના માંસ તેમજ હાડકા કબજે કરવામાં આવ્યા હતા, જ્યારે ભાવનગરના સિહોર ગામે થી 12 બાળકો સાથે 5 પુરુષ અને 8 મહિલાઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી વન્ય પ્રાણીના આવશો એવા માસ અને હાડકા મળી આવતા વનવિભાગે તેનો કબજો લીધો હતો તેમજ પાલીતાણાના બગદાણા ગામેથી 4 શસ્ક્સો મળી કુલ 38 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, જેમાંથી 2 જૂનાગઢના ડુંગરપુર ગામના અને બાકીના થાન ગામના હોવાનું ખુલ્યું છે. જેમાંથી 2 મહિલાઓ અને 7 પુરુષોને સુત્રાપાડા કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયા હતા, ત્યારે કોર્ટે તમામના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન ગઈકાલે જૂનાગઢ ખાતે વન વિભાગ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે, વન વિભાગ દ્વારા આ શિકારી ગેંગના ઘવાયેલા હબીબ સમશેર પરમાર (ઉં.વ. 60), તથા અસલમ સમશેર પરમાર (ઉ.વ. 46), રાજેશ મનસુખ (ઉં.વ. 22) તથા મણીબેન હબીબ પરમાર (ઉં.વ. 55) ને વાડલા ગામ નજીક એક વાહનમાંથી પકડી પાડવામાં આવ્યા હતા અને ઘાયલ હબીબને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ શિકારી ગેંગે કુલ 6 ફાસલા ગોઠવ્યા હોવાનું કબૂલ્યું હતું, જેમાંથી વન વિભાગે 4 ફાસલા શોધી કાઢ્યા છે અને 2 ફાંસલા શોધવા શોધખોળ હાથ ધરાઇ છે.સાથોસાથ વન વિભાગે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ શિકારી ગેંગ દ્વારા નાના વન્ય પ્રાણીઓ જેવા કે, સાડા અને શિયાળના શિકાર માટે આ પ્રવૃત્તિ કરી હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાઈ રહ્યું છે. જો કે સિંહના શિકાર અંગેના કોઈ પુરાવા મળ્યા નથી તેમજ આ શિકારી ગેંગ સાથે અન્ય કોઈ પરપ્રાંતિય શિકારી ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં વન વિભાગે આપેલી વિગતો અનુસાર વન વિભાગના 13 ડિવિઝનમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સઘન કોમ્બીંગ હાથ ધરાયું છે. તથા પરપ્રાંતીઓના દંગા, ઝૂંપડા પર ચેકિંગ હાથ ધરાયું છે. આ સિવાય રેલવે સ્ટેશન, દેશી દવાઓ વેચતા લોકોને ત્યાં તપાસ તેમજ ગીર પૂર્વ, પશ્ચિમ, સાસણ, ગીરનાર, વેરાવળ વગેરે વિસ્તારોમાં પણ કોમ્બિંગ હાથ ધરાયું છે. આ ઉપરાંત પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, દીવ, મોરબી, બોટાદ, રાજકોટ સહિતના વન તંત્રને પણ સાબદુ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન મળેલી વિગતો અનુસાર ગીર જંગલમાં શિકારી ટોળકીના થયેલ પર્દાફાશ બાદ સરકાર માં પણ હલચલ મચી જવા પામી છે અને રાજ્ય સરકારના વન મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ આ બાબતો ઉપર સતત મોનિટરિંગ રાખી રહ્યા છે, તો કેન્દ્ર સરકારની આઈ.બી. ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ અંગેના રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે.